રેલનગરમાં ગુલમહોર પ્લાઝાની બાજુમાં ઓસ્કાર એંકલેવ સી-202માં રહેતા યુવરાજસિંહ મહેન્દ્રસિંહ પરમાર(ઉ.વ.40)એ ચોટીલાના કુંભારા ગામના પ્રતાપભાઈ કાળાભાઈ ઉર્ફે કાળુભાઈ માનસૂરિયા(ઉ.વ.37)ને પુનાવાલા ફિન્કોર્પમાં રૂ.10.12 લાખની લોન કરાવી આપી અને આ લોનની એનઓસી 15 દિવસમાં પરત કરવાની હોય આમ છતાં આરોપીએ એનઓસીનો અન્ય બેંકમાં લોન લેવા ઉપયોગ કરી છેતરપિંડી કરતા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે ઓનેસ્ટ ક્લબ પ્રાઈવેટ લિમિટેડમાં 5 વર્ષથી મેનેજર તરીકે નોકરી કરે છે અને ઓફિસનો તમામ વહીવટ સંભાળે છે. જેમા લોન બાબતેના તમામ ડોક્યુમેન્ટ ચકાસણી અને એગ્રીમેન્ટ આર.ટી.ઓ.ના કામ તથા લોન પેમેન્ટ અને નવી કાર લોન વગેરે કામગીરી કરે છે. અને તેની આ કંપની અલગ-અલગ ફાઈનાન્સ કંપની સાથે કરારથી કમિશન ઉપર કામગીરી કરે છે.
અંદાજે 4 મહિના પહેલાં તેમના એજન્ટ પિનલભાઈ તરફથી એક લોન જરૂરિયાત માટે ગ્રાહકનો સંપર્ક થયેલ જેણે પોતાનું નામ પ્રતાપભાઈ કાળાભાઈ ઉર્ફે કાળુભાઈ માણસુરિયા હોવાનું જણાવેલ અને કહેલ કે મારી પાસે મારી મહિન્દ્રા બોલેરો કારમાં મારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બેંકમાં રૂ.7 લાખ અને રૂ.1.70 લાખની લોન ચાલુ છે. અને મારે વધારે પૈસાની લોનની જરૂરિયાત છે. આમ તેની પાસે વધુ લોન માટે ડોક્યુમેન્ટ આપતા તેની રૂ.10.12 લાખની લોન પુનાવાલા ફિનકોર્પમાંથી લોન મંજૂર કરાવી આપી હતી. અને તેમની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા બેંકની બાકી લોન રૂ.3.93 લાખ અને રૂ.1.48 લાખ મળી કુલ રૂ.5.41 લાખ RTGSના માધ્યમથી ઓનલાઈન ભરપાઈ કરી હતી. બાકીના રૂ.3.92 લાખ પ્રતાપભાઈના SBIના એકાઉન્ટમાં આર.ટી.જી.એસ. દ્વારા તા.04/07ના રોજ ટ્રાન્સફર કર્યા હતા.