રાજકોટની ભાગોળે દારૂની બોટલ ભરેલ કારે ઇકોએ અડફેટે લેતા ઇકોમાં બેઠેલ એક મહિલાને ઈજા પહોંચી હતી. મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે બૂટલેગર દારૂ ભરેલી કાર રેઢી મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માત ઉપરાંત પોલીસે દારૂની રૂ.1.58 લાખની કિંમતની 396 બોટલ કબજે કરી અલગથી ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવમાં રમીલાબેન સુરેશભાઈ જાદવ(ઉંમર વર્ષ 49, હાલ રહે. કુવાડવા ગામ, શિવધારા રેસિડેન્સી, વાંકાનેર રોડ, તાલુકો જિલ્લો રાજકોટ)સોમવારે રાત્રે દોઢેક વાગ્યા આસપાસ ઇકો કારમાં બેસીને કુવાડવા તરફ આવતા હતા ત્યારે હડમતિયા ગામ પાસે અજાણ્યા કારચાલકે ઇકો કારને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રમીલાબેનને માથે અને શરીરે ગંભીર ઇજા થઈ હતી. તેઓને તત્કાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરિવારજનો અને પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ, ઇકો રમીલાબેનના પતિ સુરેશભાઈ લાલજીભાઈ જાદવ ચલાવતા હતા અને તેમની સાથે તેમની પુત્રી ક્રિષ્ના પણ ઇકો કારમાં સવાર હતી.
પરિવાર મૂળ સાવરકુંડલાનો છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કુવાડવા ગામે રહે છે. સોમવારે રાતે સાવરકુંડલાથી થોડો-ઘણો સામાન ઇકો કારમાં ભરીને કુવાડવા આવતા હતા, ત્યારે દોઢ વાગ્યા આસપાસ સરધાર અને કુવાડવા વચ્ચે હડમતિયા ગામ પાસે પૂરપાટ ઝડપે સામેથી આવતી સ્વિફ્ટ કારના ચાલકે ઇકો કાર સાથે અથડાવતા રમીલાબેનને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
જ્યારે સુરેશભાઈ અને તેમની પુત્રી ક્રિષ્નાને મૂઢ ઇજાઓ થઈ હતી. આજી ડેમ પોલીસે સુરેશભાઈ જાદવની ફરિયાદ પરથી અજાણ્યા સ્વિફ્ટ કારના ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. ઉપરાંત પોલીસે ફરિયાદી બનીને દારૂનો અલગથી ગુનો દાખલ કર્યો હતો. પીએસઆઈ પી.કે.ગામેતીએ જણાવ્યા અનુસાર, દારૂની 396 બોટલ ભરેલી સ્વિફ્ટ કાર નવાગામ આણંદપરમાં રહેતા મનસુખ પરાલિયાની હોવાનું ખુલ્યું હતું.