રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા તરફથી આવી રહેલા બૂટલેગરની કારને પોલીસે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસને જોઇ બૂટલેગરે કાર ભગાવી હતી અને ઠેબચડા નજીક કાર પલટી ખાઇ ગઇ હતી. આ ઘટનામાં બંને બૂટલેગર ઘવાયા હતા જેમાંથી ગંભીર રીતે ઘવાયેલા એકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ.3.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આજી ડેમ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પ્રદીપસિંહ ગોહિલ અ્ને વિરેન્દ્રસિંહ જાડેજા સહિતની ટીમ રવિવારે બપોરે ભાવનગર હાઇવે પર કાળીપાટ નજીક પેટ્રોલિંગમાં હતા ત્યારે હકીકત મળી હતી કે, ચોક્કસ નંબરની કાર ત્રંબા તરફથી આવી રહી છે અને તેમાં દારૂનો જથ્થો છે, કાળીપાટના પાટિયા નજીક પોલીસ સ્ટાફે વાહન ચેકિંગ શરૂ કરી દીધું હતું અને નિયત નંબરની કાર પસાર થતાં તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પોલીસને જોઇ ચાલકે કાર ભગાવી હતી.
પોલીસે ભાગી રહેલી ઇકો કારનો પીછો શરૂ કર્યો હતો, કાર ઠેબચડા તરફ જવાના રસ્તે પહોંચી હતી ત્યારે ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઇ ગઇ હતી, કારમાં બેઠેલા બંને શખ્સ ભાગે તે પહેલા પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઇ હતી અને વીડિયોગ્રાફી શરૂ કરી દીધી હતી, પોલીસે કારમાંથી જસદણના બોઘરાવદરના મયૂર બકુલ ગોસાઇ અને રાજેશ જીવરાજ રામાણીને બહાર કાઢ્યા હતા અને કારની તલાશી લેતા કારમાંથી રૂ.20,216નો 32 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો, પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ. 3,20,216નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.