રાજકોટ શહેર પોલીસ દ્વારા મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડી અમદાવાદ જેલ ખાતે પાસા હેઠળ ધકેલવામાં આવ્યો છે. આરોપી દ્વારા તાજેતરમાં તારીખ 24 જુલાઈના રોજ રાત્રીના સમયે અયોધ્યા ચોક નજીક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુધ્ધ રાજકોટ માલવિયાનગર, ગાંધીગ્રામ અને યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં મળી કુલ 3 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં દારૂનું મોટું નેટવર્ક ધરાવતા હર્ષદ ઉર્ફે મહાજનના પુત્ર જેનીશ માંડલિયાએ છેલ્લા થોડા સમયમાં મારામારી સહિતના ત્રણેક ગુનાઓ આચર્યા હોય તેને કાયદાનું ભાન કરાવવું જરૂરી હોવાથી રાજકોટ શહેર પીસીબી દ્વારા પાસા વોરંટ તૈયાર કર્યું હતું. જેની પોલીસ કમિશ્નરે મંજુરી આપતા પીસીબી પીઆઈ મેહુલ ગોંડલીયા અને ટીમે 150 ફટ રીંગ રોડ ઉપર આવેલ સુંદરમ શિલ્પ એપાર્ટમેન્ટમાં રહેતા જેનીશ હર્ષદભાઈ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયાની ધરપકડ કરી પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલમાં ધકેલી દીધો છે.
ગત 24 જુલાઈના રોજ મોડી રાત્રે અયોધ્યા ચોક પાસે સિનર્જી હોસ્પિટલ નજીક ટી પોસ્ટ પાસે કૂખ્યાત બૂટલેગર હર્ષદ મહાજનના પુત્ર જેનીશ અને તેના મિત્રોએ નશાની હાલતમાં લોકોને ગાળો ભાંડી સોડા-બાટલીના ઘા કર્યા હતા. તેમજ આ ટોળકીએ ધમાલ મચાવતા ત્યાં ઉભેલા એક યુવાનને લાફો મારી બાદ છરીના ઘા ઝીંક્યા હતા અને અન્ય સ્થળે જઈને પણ સોડા બાટલી ઘા કરી સામાન્ય લોકોને હેરાન પરેશાન કરતા હોવાનું સામે આવ્યું હતુ.