શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગરમાં બીયર લેવા માટે ગયેલા એક યુવકને બૂટલેગર અને તેના સાથીએ “મારી રેકી શું કામ કરશ’ કહી ઢીકાપાટુ અને ધોકા વડે માર મારતા પોલીસમાં ગુનો નોંધાયો છે.
આ બનાવમાં પુનિતનગર પાણીના ટાંકા પાસે વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા યશ રસિકભાઈ બકરાણિયા નામના યુવકે માલવિયાનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બાબુ બારોટ, વિનુ બારોટ, અરુણ વિનુભાઈ બારોટ અને તેની સાથેના અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું.
યશે ફરિયાદમાં જણાવ્યું છે કે, તે તેના મિત્ર સાથે કાર લઈને વિનુ બારોટ પાસે બીયર લેવા ગયો હતો ત્યારે વિનુએ તેને કોઈ કારણ વગર બે થપ્પડ મારી દેતા બંને ત્યાંથી નીકળી ગયા હતા.
બાદમાં બાઇક લઈને આંબેડકરનગરમાં આવેલ રાવણચોક પાસે બાબુ બારોટે તેને રોકીને પૂછ્યું કે “તું શા માટે અમારી રેકી કરે છે?’ તેવું કહી થપ્પડ માર્યા બાદ “અહીં કેમ આવ્યો?’ એમ કહીને ધોકા વડે ફટકાર્યો હતો.
અહીંથી પસાર થતાં કેટલાક લોકોએ યુવકને વધુ મારથી બચાવ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.