રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ છેલ્લા 15 માસથી 15000થી વધુ મકાન, કોમર્શિયલ લો-રાઇઝ, હાઇરાઇઝ સહિતના બાંધકામોના કમ્પ્લિશન સર્ટિફિકેટ અને બિલ્ડિંગ યૂઝ પરમિશન અટકી ગયા હતા અને શહેરનું રિયલ એસ્ટેટ માર્કેટ રીતસરનું ઠપ થઇ જતા બિલ્ડરો લાંબા સમયથી હેરાન પરેશાન થઇ રહ્યા હતા.
ત્યારે હવે રાજ્ય સરકારે રાજકોટના બિલ્ડર સહિતના વેપારીઓને દિવાળી ભેટ આપી છે અને રાજકોટ બિલ્ડર એસોસિએશન સહિત 12 જેટલા એસોસિએશનને રજૂઆત કરતા હવે આ પ્રશ્ન ઉકેલાયો છે.
રાજ્ય સરકાર દ્વારા બિલ્ડરો પાસેથી આકરો દંડ વસૂલી ફલાવર બેડને મંજૂરી આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે ત્યારે આ અંગેનો પરિપત્ર રાજકોટ મહાનગરપાલિકાને મળી ગયાનું રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું જ્યારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ આ પરિપત્ર બાબતે કોઇ જાહેરાત ન કરતા મામલો ગુંચવાયો છે.
રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં છેલ્લા 15 માસ કરતા વધુ સમયથી વહીવટી ગૂંચના કારણે 15 હજારથી વધુ મિલકતોના ભોગવટા પ્રમાણપત્રો અને બિલ્ડિંગ યૂઝ પરમિશન સ્થગિત થઇ હતી.
જેના પરિણામે બાંધકામ ઉદ્યોગ તો ઠપ થઇ જ ગયો હતો પરંતુ તેમની સાથે સંકળાયેલા હાર્ડવેર, સિમેન્ટ, બિલ્ડિંગ રો-મટીરીયલ્સ જેવા કે કપચી, રેતી, ઇંટ, કિચન એપ્લાયન્સીસ, સિરામિક, ઇલેક્ટ્રિક, પ્લમ્બિંગ સહિતના ઉદ્યોગોના 300થી વધુ નાના-મોટા વેપારીઓના કરોડો રૂપિયા ફસાયા હતા અને હજારો વેપારીઓ કૃત્રિમ મંદીનો સામનો કરી રહ્યા હતા.
તેમની આવક બંધ થઇ જવાથી કલ્પના પણ ન કરી શકાય તેવી નાણાકીય ભીડમાં તેમજ વ્યાજના વિષચક્રમાં ફસાયા હતા.