બાળકોમાં ગંભીર બીમારીનું પ્રમાણ વધ્યું, નાની-મોટી બીમારી ધરાવતા 2,132 બાળકો

રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી રૂટિન ચકાસણી દરમિયાન નાના-નાના બાળકોમાં જ ગંભીર બીમારીઓનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે. ચકાસણીમાં 136 બાળકોને હૃદયરોગ, 38ને કિડનીની બિમારી અને 29 બાળકોમાં અલગ અલગ પ્રકારના કેન્સરનાં લક્ષણો હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત મગજ સંબંધિત બિમારીઓ સહિત નાની-મોટી અન્ય બીમારી કે ખામી ધરાવતા કુલ 2,132 બાળકો મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. જે એક ગંભીર પરિસ્થિતિનો સંકેત આપે છે. જોકે આરોગ્ય વિભાગ દ્વારા આ તમામ બાળકોને જરૂરી સારવાર નિઃશુલ્ક મળી રહે તે માટે બધી વ્યવસ્થા કરી આપવામાં આવી છે.

18 વર્ષ સુધીની ઉંમરના બાળકોમાં ગંભીર બીમારીનું પ્રમાણ વધ્યું રાજકોટના જુદા જુદા વિસ્તારમાં, ખાસ કરીને ગ્રામીણ અને પછાત વિસ્તારોમાં, નાના બાળકોના સ્વાસ્થ્યની તપાસ માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ બાળકોમાં જોવા મળતી સામાન્ય અને ગંભીર બીમારીઓને વહેલી તકે શોધી કાઢવાનો હતો, જેથી તેમને સમયસર સારવાર આપી શકાય. આ ચકાસણી દરમિયાન, આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ઘરે-ઘરે જઈને બાળકોના સ્વાસ્થ્યની તપાસ કરી અને તેમના મેડિકલ રેકોર્ડ્સની નોંધ લીધી. આ તપાસમાં 0 થી 18 વર્ષની ઉંમરના બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

136 બાળકોને હૃદયરોગ, 29 બાળકોને કેન્સર જેવી જીવલેણ બીમારી આરોગ્ય વિભાગની ચકાસણીના અંતે જે આંકડાઓ સામે આવ્યા તે ખરેખર ચિંતાજનક છે. જેમાં કુલ 2,132 બાળકો વિવિધ બીમારીઓથી પીડિત હોવાનું જણાયું છે. જેમાં હૃદયરોગ ધરાવતા કુલ 136 બાળકો, કિડની સંબંધિત સમસ્યાઓથી પીડિત 38 બાળકો, કેન્સર જેવી જીવલેણ બીમારી ધરાવતા 29 બાળકો અને અન્ય ગંભીર જન્મજાત ખામીઓ ધરાવતા બાળકોનો સમાવેશ થાય છે. આંકડાઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે બાળકોમાં ગંભીર બીમારીઓનું પ્રમાણ અપેક્ષા કરતા ઘણું વધારે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *