બાળકના રસીકરણ સમયે વીડિયો કોલમાં મશગુલ નર્સની બદલી

રાજકોટનાં નાનામૌવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ દરમિયાન વીડિયો કોલમાં વ્યસ્ત રહીને નાના બાળકનું રસીકરણ કરવાની ગંભીર બેદરકારી દાખવનાર ફીમેલ હેલ્થ વર્કર એકતાબેન શિંગાળીયા સામે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવ્યા છે. દિવ્યભાસ્કર દ્વારા આ ઘટના સામે લાવવામાં આવ્યા બાદ મનપાના આરોગ્ય અધિકારી દ્વારા ત્વરિત તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન નર્સની બેદરકારી સાબિત થતાં તેની બદલી અને ફિક્સ પગારનાં સમયમાં વધારો જેવી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે.

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તા. 10ના સવારે 10:30 કલાકે નાનામૌવા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા FHW એકતાબેન શિંગળીયાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેઓ રસીકરણની સંવેદનશીલ કામગીરી દરમિયાન તેના અંગત મોબાઈલ ફોન પર વીડિયો કોલમાં પોતાના સ્વજન સાથે વાતચીત કરવામાં મશગૂલ હોવાનું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું.

તેમનું ધ્યાન કામગીરીને બદલે ફોન પર હોવાથી બાળકના રસીકરણની સુરક્ષા અને ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા હતા. આ વીડિયો વાયરલ થતા જ આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ આ ગંભીર બેદરકારીને તાત્કાલિક ધ્યાનમાં લીધી હતી. અને ખાતરી આપી હતી કે, તપાસમાં બેદરકારી સામે આવશે તો નર્સ સામે નિયમ મુજબ શિસ્તભંગના કડક પગલાં લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *