આગામી સરદાર સન્માન યાત્રાના ભવ્ય સ્વાગત અને આયોજનના ભાગરૂપે ગોંડલ શહેરમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બારડોલીની કર્મભૂમિથી સોમનાથની ધર્મભૂમિ સુધી આયોજિત આ યાત્રાના સુચારુ આયોજન માટે ગુંદાળા રોડ પર આવેલા દેવંગી આશ્રમ ખાતે જી.પી. વસ્તરપરા ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ ચમારડીના વડપણ હેઠળ શહેરના સામાજિક આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
આ યાત્રા આગામી 11 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. કુલ 1800 કિલોમીટરનું અંતર કાપીને આ યાત્રા રાજ્યના 18 જિલ્લા, 65 તાલુકા અને 355 ગામડામાંથી પસાર થશે. ગોંડલ શહેર માટે મહત્વપૂર્ણ છે કે આ યાત્રા 18 સપ્ટેમ્બરના રોજ ગોંડલ ખાતે આવી પહોંચશે.
ગોંડલમાં આ યાત્રાનું પ્રસ્થાન આશાપુરા ચોકડીથી થશે અને શહેરના મુખ્ય માર્ગો પર ભ્રમણ કરશે. આ દરમિયાન, શહેરમાં સ્થિત તમામ મહાપુરુષોની પ્રતિમાઓને ફુલહાર અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે.