બાબાસાહેબ વિશેના કેન્દ્રીય ગૃહમંત્રીના વિધાનોનો વિરોધ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ડો.બાબાસાહેબ આંબેડકર વિશે કરેલા વિધાનોનો દેશભરમાંથી વિરોધ ઉઠ્યો છે ત્યારે રાજકોટ શહેરમાં બુધવારે સમસ્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ દ્વારા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે ધસી જઇ રાષ્ટ્રપતિને સંબોધીને લખેલું આવેદન કલેક્ટર અને ત્યારબાદ પોલીસ કમિશનરને અપાયા હતા.

સમસ્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજે બુધવારે જાહેર રજાના દિવસે પણ સિવિલ હોસ્પિટલ ચોકથી રેલી કાઢી હતી અને કલેક્ટર કચેરીમાં પટાંગણમાં જય ભીમના નારા સાથે સૂત્રોચ્ચાર કરી દેખાવો યોજી વિરોધ વ્યક્ત કર્યો હતો. બુધવારે જાહેર રજાનો દિવસ હોવા છતાં સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી અને અન્ય અધિકારીઓ કચેરીમાં હાજર હોય પ્રતિનિધિ મંડળે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં એવી રજૂઆત કરી હતી કે, ગત તા.17ના રોજ ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં ભારત દેશના બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરનું નામ લઇ વિવાદિત ટિપ્પણી કરી કહ્યું છે કે, ‘આજકાલ આંબેડકર કા નામ લેના ફેશન હો ગયા હૈ, ઇતના નામ કીસી ભગવાન કા લેતે તો સાત જન્મ સ્વર્ગમે સ્થાન મિલતા’ આવા દ્વેષભાવ રાખી તુચ્છ ભાષામાં ઉચ્ચારણ કરી ડો.બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે જે ખૂબ જ ગંભીર બાબત છે. ગૃહમંત્રી અમિત શાહે દેશની જનતાની જાહેર માફી માગવી અને પ્રાયશ્ચિત કરે તેવી માગણી અંતમાં કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *