ગુજરાત પધારેલા બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને તેઓના ચાહકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ બાદ સુરતના આંગણે દિવ્ય દરબાર યોજાવા જઇ રહ્યો છે. જેને લઇને તમામ તૈયારીઓ પૂર્ણતાને આરે છે. તો બીજી બાજુ સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની રોકાણ વ્યવસ્થા હાલ ભારે ચર્ચામાં આવી છે. કારણ કે ફાઈવ સ્ટાર હોટેલને પણ ઝાંખી પાડે તેવી સુવિધા અને સ્વર્ગ સમાન નજારા જેવા અદ્દભુત ફાર્મ હાઉસમાં તેઓને ઉતારો આપવામાં આવ્યો છે.
સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રી લક્ઝુરિયસ ફાર્મ હાઉસમાં રોકાણ કરી રહ્યાં છે જેનું નામ છે ગોપીન ફાર્મ છે. આ ફાર્મ હાઉસ ઉદ્યોગપતિ લવજી બાદશાહનું છે જે અબ્રામા ખાતે આવેલું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર પહેલા આ લક્ઝુરિયસ ફાર્મ હાઉસમાં રાત્રી રોકાણ કરશે. ત્યારે આ ગોપીન ફાર્મ હાઉસ ફાઇવસ્ટાર હોટેલને પણ ટક્કર મારે તેવું છે.
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દશ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે, અહીં તેઓ વિવિધ જિલ્લાઓમાં દિવ્ય દરબાર યોજાશે. સુરતમાં દિવ્ય દરબાર માટે ધીરેન્દ્ર શાસ્ત્રી ગોપીન ફાર્મમાં રોકાણ કરશે, તમને જણાવી દઇએ કે આ ગોપીન ફાર્મ કોઇ લક્ઝુરિયસ હોટેલને ટક્કર માટે તેવું છે. ગોપીન ફાર્મ હાઉસ તેમા રહેલી એન્ટીક વસ્તુઓને કારણે જાણીતું છે. આ ફાર્મ હાઉસનું ઇન્ટીરિયર ખાસ વિદેશથી મંગાવવામાં આવ્યા હતા. એવી પણ વાત આવે છે કે વિદેશથી કાર્ગો જહાજ ભરીને આ ફાર્મ હાઉસમાં વસ્તુઓ લઇ આવવામાં આવી હતી. વધુમાં સ્વીમિંગ પૂલ સહિતની તમામ વ્યવસ્થાઓ પણ છે.
સુરતની બિલ્ડર લોબીમાં લવજી બાદશાહનું ખુબ જ મોટું નામ છે, તેઓ કરોડો રૂપિયાની સંપતિના આસામી છે. તેઓ વર્ષોથી સુરતમાં રિયલ એસ્ટેટ વ્યવસાય સાથે જોડાયેલા છે. સુરતને વિશ્વમાં ઓળખ અપાવનારી મોટી મોટી ટેક્સટાઇલ માર્કેટો બનાવવાનું કામ લવજી બાદશાહ કરે છે. આ સિવાય અનેક મોટી રેસિડેન્શયલ પ્રોજેક્ટો પણ કરે છે જેમાં વરાછામાં બનતા લક્ઝુરિયસ એપાર્ટમેન્ટનો પણ સમાવેશ થાય છે. તો લવજી બાદશાહનો સમાવેશ ટોચના પાટીદાર ઉદ્યોગપતિઓમાં થાય છે. એવું પણ કહેવાય છે તેઓ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નજીકના વ્યક્તિઓમાંથી એક છે.