સુરત શહેરના અશ્વિનીકુમાર રોડથી કતારગામ GIDC ને જોડતા પ્રમુખ સ્વામી ઓવરબ્રિજ પર આજે એક મોટી દુર્ઘટના ટળી હતી. બ્રિજ પર અચાનક રિફાઈન્ડ ઓઈલ ઢોળાવાને કારણે રસ્તો અત્યંત લપસણો બની ગયો હતો, જેને પરિણામે પસાર થતા બાઈક સવારો એકપછી એક પત્તાના મહેલની જેમ સ્લીપ થવા લાગ્યા હતા.
અજાણ્યા વાહનમાંથી રિફાઇન ઓઈલ ઢોળાયું મળતી માહિતી પ્રમાણે, અશ્વિનીકુમારથી કતારગામને ખેડતા પ્રમુખ સ્વામી ઓવરબ્રિજ પર અજાણ્યા વાહનમાંથી રિફાઇન ઓઈલનો જથ્થો રસ્તા પર ઢોળાયો હતો. જેના કારણે ડઝનબંધ વાહનચાલકો સ્લીપ થયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. બ્રિજ પર ઓઈલ ઢોળાયા બાદ તેના પરથી પસાર થતી મોટરસાયકલો કાબૂ બહાર જઈને લપસતી હોવાના લાઈવ વીડિયો સામે આવ્યા છે.
અન્ય વાહનચાલકોમાં પણ ભારે ફફડાટ વીડિયોમાં જોઈ શકાય છે કે વાહનચાલકો બ્રેક મારવાનો પ્રયત્ન કરે છે પરંતુ રસ્તો ચીકણો હોવાને કારણે વાહનો સીધા ઘસડાઈ રહ્યા છે. આ દ્રશ્યો જોઈને અન્ય વાહનચાલકોમાં પણ ભારે ફફડાટ ફેલાયો હતો. સદનસીબે આ અકસ્માતોમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ અનેક ચાલકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.