બાંધકામ સાઈટ પર હૃદયદ્રાવક અકસ્માત, બીજા માળેથી પટકાતાં 3 વર્ષના બાળકનું મોત

રાજકોટના અવધ રોડ પર આવેલી એક નિર્માણાધીન બાંધકામ સાઈટ પર આજે બપોરે એક અત્યંત કરુણ ઘટના બની હતી. મજૂરીકામ કરતા શ્રમિક પરિવારનો 3 વર્ષનો માસૂમ બાળક રમતા-રમતા બીજા માળેથી નીચે પટકાતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. માસૂમ બાળકના અકાળે અવસાનથી સિવિલ હોસ્પિટલના પટાંગણમાં પરિવારના આક્રંદે હાજર સૌ કોઈની આંખો ભીની કરી દીધી હતી.

મૂળ મધ્યપ્રદેશના ભાભરાના વતની અને હાલ રાજકોટના પરસાણા ચોક વિસ્તારમાં રહેતા શંકરભાઈ બામણિયા અને તેમનો પરિવાર મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે. આજે બપોરે 12:15 વાગ્યાની આસપાસ શંકરભાઈ અને તેમના પત્ની અવધના ઢાળ પાસે આવેલી ‘અબીલ ગુલાલ’ નામની બાંધકામ સાઈટ પર કામ કરી રહ્યા હતા. તેમની સાથે તેમનો 3 વર્ષનો પુત્ર સોહિલ પણ હતો. માતા-પિતા કામમાં વ્યસ્ત હતા, તે દરમિયાન સોહિલ રમતા-રમતા બીજા માળે પહોંચી ગયો હતો અને ત્યાંથી અચાનક સંતુલન બગડતા નીચે પટકાયો હતો.

મૃતક સોહિલ બે ભાઈ અને એક બહેનમાં સૌથી નાનો અને પરિવારનો લાડકો હતો. સંતાનોને સારું ભવિષ્ય આપવા મધ્યપ્રદેશથી ગુજરાત આવેલા આ શ્રમિક પરિવારને અંદાજ પણ નહોતો કે તેમનો વહાલસોયો કાળનો કોળિયો બની જશે. હાલ આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *