બાંગ્લાદેશ હિંસા-બોર્ડર સુધી કટ્ટરપંથીઓની કૂચ, મંદિર બહાર નારેબાજી

બાંગ્લાદેશમાં શેખ હસીનાના વિરોધી નેતા ઉસ્માન હાદીના મૃત્યુના વિરોધમાં ઇન્કલાબ મંચ અને જમાતના કટ્ટરપંથીઓએ શુક્રવારે બેનાપોલથી ભારતની સરહદ સુધી કૂચ કરી. તેમનું કહેવું હતું કે પૂર્વ પીએમ શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપવામાં આવે. જ્યારે ચટ્ટોગ્રામમાં ચંદ્રનાથ મંદિરની બહાર કટ્ટરપંથીઓએ ધાર્મિક નારા લગાવ્યા હતા.

ઢાકામાં પ્રતિષ્ઠિત ઢાકેશ્વરી મંદિરની સુરક્ષા માટે વધારાનો પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. ઢાકાના તોપખાના રોડ પર સ્થિત શિલ્પી ગોષ્ઠી સાંસ્કૃતિક કેન્દ્રનો પણ કટ્ટરપંથીઓએ ઘેરાવ કરીને જોરદાર નારા લગાવ્યા હતા.

આ દરમિયાન, હાદીનો મૃતદેહ શુક્રવારે સાંજે સિંગાપોરથી ઢાકા લાવવામાં આવ્યો. યુનુસ સરકારે શનિવારે રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. હાદીના અંતિમ સંસ્કાર શનિવારે થશે. આ દરમિયાન ઢાકામાં આંદોલનકારીઓ ફરી હિંસક બન્યા અને ઉદિચી સંસ્થાની ઓફિસને સળગાવી દીધી. આ સંસ્થા કટ્ટરપંથીઓના વિરોધમાં કામ કરે છે.

અહીં ભારતીય સેના પણ સક્રિય થઈ ગઈ છે અને બાંગ્લાદેશની સ્થિતિ પર નજર રાખી રહી છે. ઈસ્ટર્ન કમાન્ડના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ આરસી તિવારીએ ગુરુવારે સાંજે ભારત-બાંગ્લાદેશ સરહદની મુલાકાત લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *