શેખ હસીનાએ દેશ છોડ્યા બાદ બાંગ્લાદેશમાં રચાયેલી વચગાળાની સરકારને આજે એક મહિનો પૂર્ણ થયો છે. જનવિદ્રોહ અને અશાંતિ બાદ વચગાળાની સરકારે એક મહિનામાં સમગ્ર દેશની મશીનરી બદલી નાખી છે. રાજધાની ઢાકામાં વચગાળાની સરકાર બન્યા બાદ સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી.
આ દરમિયાન, યુનુસ સરકારના કટ્ટરપંથી સમર્થક જમાત-એ-ઇસ્લામ પાર્ટીએ રવીન્દ્રનાથ ટાગોરે લખેલું બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત ‘અમાર સોનાર બાંગ્લા’ને બદલવા માટે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. જો કે વચગાળાની સરકારમાં ધાર્મિક બાબતોના મંત્રી ખાલિદ હુસૈને રાષ્ટ્રગીત બદલવાની ના પાડી દીધી છે.
જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે વચગાળાની સરકારે બંધારણમાં ફેરફાર કરવા માટે નિવૃત્ત સૈન્ય અધિકારીઓની એક કમિટીની રચના કરી છે. સૈન્ય સમર્થિત વચગાળાની સરકાર આગામી દિવસોમાં બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સંકળાયેલા પ્રતીકોને ભૂંસી પાડશે. વિદ્યાર્થીઓના આંદોલનમાં બંગબંધુ મુજીબુર રહેમાનની પ્રતિમા તોડી પાડવામાં આવી છે. આવી સ્થિતિમાં રાષ્ટ્રગીત બદલાય તો નવાઈ નહીં.