બહેન-બનેવીએ પુત્ર આપવા દબાણ કરતા મહિલાએ ફિનાઇલ ગટગટાવ્યું મૂળ

ગોંડલના અને હાલ રિસામણે રાજકોટમાં કરણસિંહજી હાઇસ્‍કુલ પાસે રહેતા શિતલબેન સંજયભાઈ મકવાણા (ઉં.વ.28)એ આજે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા છે. બનાવ અંગે જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ કરતા આપઘાતનો પ્રયાસ કરનાર શિતલબેનને તેનો પતિ સંજય દારૂ પી ત્રાસ આપતો હોવાથી હાલ રિસામણે આવ્યા હોવાનું જણાવ્‍યું હતું. તેમજ તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો હોવાનું સામે આવ્યું હતું. શિતલબેને તેમના બહેન રૂપા અને બનેવી રવિ ત્રાસ આપી તેમનો દીકરો આપી દેવા દબાણ કરતા હોવાનું જણાવ્યું હતું, જેનાથી કંટાળી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવતા પોલીસે નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા પુત્રને મળવા ઘરેથી નીકળી, સ્ટેશન પર પતિને જોઇ જતાં દવા પી ગઈ મૂળ મધ્‍ય પ્રદેશનાં આરતીબેન નીરજભાઇ જયસ્‍વાલ (ઉં.વ. 35) હાલ રાજકોટની પીઠવા કંપનીમાં રહે છે. તેઓ છેલ્લા એક મહિનાથી રાજકોટ રહે છે અને તેમના પતિ નિરજભાઇ કંપનીમાં જ કામ કરે છે. આરતીબેનને સંતાનમાં 4 વર્ષનો પુત્ર છે જે હાલમાં મધ્‍ય પ્રદેશમાં આવેલ તેમના ગામે રહે છે. પુત્રની યાદ આવતા આરતીબેન ઘરેથી કોઇને કહ્યા વગર પુત્રને મળવા જઇ રહ્યા હતા. દરમિયાન નીરજભાઇ પણ તેની પત્‍નીની શોધખોળ કરી રહ્યા હતાં. દરમિયાન આરતીબેન રેલવે સ્‍ટેશનની સામે પતિ નિરજભાઈને આવતાં જોઇ જતાં ઝેરી પાવડર પી લીધો હતો, જેથી તેમને સારવાર અર્થે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે.

ભગવતીપરામાં મહિલાને પિતરાઇ ભાઈ-બહેને ગેસની નળી મારી રાજકોટના ભગવતીપરામાં ગાંધી સ્‍મૃતિ સોસાયટીમાં રહેતા એકતાબેન રમેશભાઇ આકલવ્‍યા (ઉં.વ.36) ભગવતીપરાના પુલ પાસે શાકમાર્કેટમાં હતાં, ત્‍યારે પિતરાઇભાઈ જીલ અને બહેન મિતલે ગેસની નળી મારતા ઇજા પહોંચી હતી, જેથી ઇજાગ્રસ્‍ત એકતાબેને પોલીસ સમક્ષ જણાવ્‍યુ હતુ કે, પોતે અપરિણીત છે અને તેના દાદા સાથે રહે છે. તેણે દાદાનું ઘર ગિરવે મૂકયું હતું, જેની જાણ કાકા યોગેશને થતા એ વાતનો ખાર રાખીને તેઓ અભદ્ર મેસેજ કરીને હેરાન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. આજે પોતે બેંકમાં કામ અર્થે ગયા હતા, ત્‍યાં પણ કાકા યોગેશ બાઇકને ઠોકર મારતા પોતે તેમની ઓફિસે વાત કરવા પહોંચી ગયા હતા, જ્યાં કાકાના દીકરા જીલ અને દીકરી મિતલે ગેસની નળી મારી ઇજા પહોંચાડી હતી. બનાવને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *