લગ્નપ્રસંગની સિઝનમાં પાર્ટી પ્લોટ, વાડી, હોલ સહિતના સ્થળોએ મહેમાન બની તસ્કરો દલ્લો ઉઠાવી જાય છે તેમજ બસ સ્ટેશને ભીડનો લાભ ઉઠાવીને આવા ઓપરેશન પાર પાડવામાં આવતા હોય છે. આવી જ વધુએક ઘટનામાં લોધિકાના બાલાસર ગામના મહિલા ખારચિયા ગામે લગ્નમાં જવા આજી ડેમ ચોકડીથી બસમાં બેઠા હતા ત્યારે બસમાં ચડતી વખતે કેટલીક મહિલાએ ધક્કામુક્કી કરી હતી અને તેમાં મહિલાના પર્સમાંથી કોઇએ રૂ.35 લાખના દાગીના ભરેલો ડબ્બો કાઢી લીધો હતો. પોલીસે આ મામલે રાબેતા મુજબ તપાસ શરૂ કરી હતી.
લોધિકાના બાલાસર ગામે રહેતા શીતલબેન દિનેશભાઇ મેત્રા (ઉ.વ.32)એ ચોરીની ઘટના અંગે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. શીતલબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.2ના પોતે, તેમની પુત્રી પ્રગતિ અને કૌટુંબિક નણંદ ઇલાબેન ખારચિયા તેમના માસીના દીકરાના લગ્નમાં જવા નીકળ્યા હતા. એમટીવીથી રિક્ષામાં આજી ડેમ ચોકડીએ પહોંચ્યા હતા.
એસટી બસમાં ચડવા માટે અનેક મહિલાઓએ પ્રયાસ કર્યો હતો અને ધક્કામુક્કી વચ્ચે શીતલબેન સહિતના લોકો બસમાં બેઠા હતા. બસ થોડે આગળ પહોંચી હતી ત્યારે શીતલબેનની નજર તેમની પાસે રહેલા તેમના પર્સ પર પડી હતી અને પર્સની ચેઇન ખુલ્લી હતી. શીતલબેને પર્સ ચેક કર્યું તો તેમને ફાળ પડી હતી અને પર્સમાંથી સોનાના દાગીના ભરેલો ડબ્બો ગાયબ હતો.