રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ગત સપ્તાહે નાણાકીય વર્ષ 2025-26નું રૂ.31.17 અબજનું બજેટ મંજૂર કરી જનરલ બોર્ડની મંજૂરી માટે મોકલી આપ્યું હતું. જેના અનુસંધાને તા.19ને બુધવારે સવારે 11 વાગ્યે મેયરના અધ્યક્ષસ્થાને યોજાનાર જનરલ બોર્ડની બેઠકમાં બજેટને મંજૂરી અપાશે. આ બેઠકમાં માત્રને માત્ર કરવેરાની દરખાસ્તોની ચર્ચા થશે, પરંતુ પ્રશ્નોત્તરી નહીં થાય. જોકે આ બેઠકમાં પણ સત્તાધારી પક્ષ વેરા વધારા વગરનું બજેટ આપ્યાના જશ લેવા પ્રયાસ કરશે તો વિપક્ષ મેયરના પ્રયાગરાજ પ્રવાસ સહિતના મુદ્દે ઘેરવા પ્રયત્ન કરશે.
મેયર નયનાબેન પેઢડિયાએ પ્રસિદ્ધ કરાવેલા એજન્ડામાં ધી જીપીએમસી એક્ટ 1949ની કલમ-94 હેઠળ રાજકોટ મહાનગરપાલિકાના સને 2021-22, 2022-23 અને 2023-24ના રજૂ કરવાના થતા આવક-ખર્ચના વાર્ષિક હિસાબો તથા ડિજિટલાઇઝ ફોર્મમાં જાળવેલા આનુષંગિક રેકર્ડ કે દસ્તાવેજો અને વાઉચર્સ વગેરેને મંજૂરી આપવા તથા નાણાકીય વર્ષ 2024-25ના રિવાઇઝ્ડ બજેટ તેમજ નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર મંજૂર કરવા અંગે નિર્ણય લેવા દરખાસ્ત કરવામાં આવી છે.