રાજકોટ મનપામાં લોકસભા ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતાં જ બજેટની એક પછી એક જોગવાઈઓનો અમલ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે વધુ એક મહત્વની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં રાજકોટ મનપાની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતી કન્યાઓનાં ખાતામાં વાર્ષિક રૂ.365ને બદલે રૂ.1500 જમા કરાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત મનપાની પ્રાથમિક શાળાઓમાં ભણતી કન્યાઓને પ્રોત્સાહિત કરવા આ રકમ તેઓના ખાતામાં જમા કરાવવાનો પ્રારંભ કરાવાયો છે.
સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે આ અંગે જણાવ્યું હતું કે, જૂની સંમત થયેલ કન્યાઓની સંખ્યા 1095 હોય જેમને પ્રતિ કન્યાદીઠ રૂપિયા 1500 લેખે આજરોજ શાળા મારફત કુલ મળી રૂપિયા 16,42,500નું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓના ખાતામાં ચુકવણું કરવામાં આવ્યું છે. જે કન્યાઓના વાલી દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રૂ. 1500 જમા કરાવવામાં આવશે તે કન્યાઓનાં ખાતામાં મનપા તરફથી પણ રૂ. 1500 જમા કરાવવામાં આવશે. જેને લઈને દર વર્ષે તમામ કન્યાઓનાં ખાતામાં રૂ. 3000ની બચત થશે.