જામનગર રોડ પર બજરંગવાડીમાં પોતાના ઘેર દીવા કરતી વેળાએ દાઝી જતા વૃદ્ધાનું મોત નિપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી. બજરંગવાડીમાં રહેતા નીલમબેન નરેન્દ્રભાઇ મદલાણી (ઉ.વ.72) તા.27-1ના રોજ તેના ઘેર હતા ત્યારે મંદિરમાં દીવો કરતી વેળાએ દાઝી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત થતા જમાદાર મયૂરસિંહ સહિતના સ્ટાફે કાર્યવાહી કરી હતી.
જ્યારે શહેરમાં સાધુવાસવાણી રોડ પર યોગેશ્વરપાર્કમાં રહેતા નિલેશભાઇ રામકૃષ્ણભાઇ વૈશ્નવ (ઉ.વ.38) પ્રેસ કોલોનીમાં રહેતા તેના બનેવી કૃષ્ણકાંતભાઇ દેવમુરારીના ઘેર હતા ત્યારે અચાનક બેભાન થઇને ઢળી પડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.
મૃતક યુવક પ્રાઇવેટ નોકરી કરતો હોવાનું અને ત્રણ બહેનોના એકના એક ભાઇ હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની પૂછતાછમાં તેના પરિવારે જણાવ્યું હતું કે, નિલેશભાઇને છાતીમાં દુ:ખાવો થતો હોય તેના બનેવીને જાણ કરતા તેને ઘેર બોલાવ્યા હતા અને બન્ને હોસ્પિટલમાં દવા લઇ આવી બનેવીના ઘેર આવ્યા હતા ને ફરી તબિયત લથડતા બનાવ બન્યો હોવાનું બહાર આવતા પોલીસે કાર્યવાહી કરી હતી.