શહેરમાં માદક પદાર્થની હેરાફેરી અટકાવા પોલીસના પેટ્રોલિંગ દરમિયાન જામનગર રોડ પર નવી કોર્ટ પાસેના રોડ પર બજરંગવાડીનો નામચીન પેડલર ડ્રગ્સની હેરાફેરી કરતો હોવાની માહિતીને આધારે એસઓજીની ટીમે વોચ ગોઠવી નામચીન પેડલરને રૂ.1.95 લાખની કિંમતના 19.52 ગ્રામ મેફેડ્રોન (ડ્રગ્સ)સાથે ઝડપી લઇ તેની પૂછતાછમાં તેને ત્રણેક વર્ષથી નશાની કુટેવ હોય અમદાવાદથી લાવી પડીકી બનાવી વેચતો હોવાનું રટણ કરતા યુનિ.પોલીસે રિમાન્ડની માંગ સાથે કાર્ટ હવાલે કરતા કોર્ટે આરોપીને જેલહવાલે કરવાનો હુકમ કર્યો છે.
પીએસઆઇ માજીરાણા સહિતના સ્ટાફે જામનગર રોડ પર નવી કોર્ટ પાસે શંકાસ્પદ હાલતમાં એક્ટિવા લઇને નીકળેલો અને બજરંગવાડીમાં રહેતો જલાલમિયા તાલબમિયા કાદરીને અટકાવી તેની પૂછતાછ કરી તેની તલાશી લેતા તેની પાસેથી 19.52 ગ્રામ એમ.ડી. (ડ્રગ્સ) મળી અાવતા તેની અટકાયત કરી તેની પાસેથી ડ્રગ્સ, એક્ટિવા, મોબાઇલ સહિત રૂ.2.50 લાખની મતા કબજે કરી ગાંધીગ્રામ પોલીસને હવાલે કરતા પીએસઆઇ ડોડિયા સહિતે તેની ધરપકડ કરી પૂછતાછ કરી હતી.