રાજકોટની સોની બજારમાંથી સ્થાનિક વેપારીઓનું સોનુ લઈ બંગાળી કારીગર ફરાર થઇ જતા હોવાની ઘટનાઓ અનેક વખત સામે આવતી હોય છે. પરંતુ હવે ખુદ બંગાળી વેપારીનું જ સોનુ બંગાળી કારીગર લઇને ફરાર થઈ ગયાની ઘટના સામે આવતા એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લા 40 વર્ષથી રાજકોટમાં સોનાનું ઘાટકામ કરનાર બંગાળી વેપારીને ત્યાં છેલ્લા 20 વર્ષથી કામ કરનાર બંગાળી કારીગર રૂ.20.90 લાખની કિંમતનું સોનુ લઇ પરિવાર સાથે ફરાર થઈ ગયો હતો. જેથી આમ આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ બંગાળી કારીગરની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટની સોની બજારમાં ગઢની રાંગ પાસે શ્રીમાળી હોસ્પિટલની પાછળ ભટ્ટ શેરીમાં ગોલ્ડન પ્લાઝા એપાર્ટમેન્ટમાં ગોસિયા જવેલર્સ નામની દુકાન ધરાવનાર અલીમભાઈ કાસીમભાઈ અબ્દુલ (ઉં.વ.50) દ્રારા નોંધાવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મૂળ પશ્ચિમ બંગાળના હત્પગલી જિલ્લાના વતની અને હાલ રાજકોટમાં રહેતા નિખિલસિંગ મધાયસિંગનું નામ આપ્યું છે. વેપારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે સોની બજારમાં દુકાન ધરાવી છેલ્લા 40 વર્ષથી સોનાનું ઘાટકામ કરે છે. તેની સાથે નિખિલસિંગ અહીં છેલ્લા 20 વર્ષથી વેપારીની દુકાન ઉપર આવેલી તેમની અન્ય દુકાનમાં સોનાનું ઘાટ કામ કરતો હતો.