શહેરમાંથી વધુ એક સગીરાનું અપહરણ થયું છે. નાનામવા રોડ જીવરાજ પાર્ક પાસે ટાઉનશિપમાં રહેતાં મુસ્લિમ પરિવારની 16 વર્ષની દીકરી મહિલા કોલેજ પાસે માતા સાથે ઓફિસમાં સફાઇ કામ કર્યા બાદ બંગડી બજારમાં નોવેલ્ટી સ્ટોરમાં કટલેરીનું કામ કરવા જવા નીકળ્યા બાદ ત્યાં ન પહોંચતા અને ગુમ થઇ જતાં પરિવારજનો દ્વારા અપહરણની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવમાં નાનામવા રોડ વિસ્તારમાં રહેતાં યુવાને એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધ્યો છે. યુવાને જણાવ્યું છે કે, તેને સંતાનમાં એક 16 વર્ષની દીકરી છે.
તેના પત્ની મહિલા કોલેજ નજીક ઓફિસમાં સાફસફાઇનું કામ કરે છે. મંગળવારે 25મીએ સવારે નવેક વાગ્યે તે તેની પત્ની અને દીકરીને મહિલા કોલેજ ચોક પાસે ઓફિસ ખાતે ઉતારીને તેના કામના સ્થળે જતો રહ્યો હતો.
મારી પત્ની ઓફિસમાં સફાઇ કામ કરતી હોઇ સાથે દીકરી પણ તેને કામમાં મદદ કરાવે છે. ત્યાંથી સાડા દસેક વાગ્યે દીકરી દરરોજ બંગડી બજારમાં નોવેલ્ટી સ્ટોરમાં કટલેરીનું કામ શીખવા જાય છે.
મંગળવારે પણ તે નોવેલ્ટી સ્ટોર જવા નીકળી હતી, પરંતુ ત્યાં મોડે સુધી ન પહોંચતા તે ગુમ થઇ ગયાનું માલૂમ પડતાં એ-ડિવિઝન પોલીસ મથકમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી.