ફ્લિપકાર્ટ કંપનીનો ડિલિવરી બોય રૂપિયા 3.76 લાખના 32 મોબાઇલ લઇને નાસી ગયો

શહેરમાં મવડી પ્લોટ પાસેના લક્ષ્મીનગરમાં ફ્લિપકાર્ટ કંપનીની ઓફિસમાંથી ડિલિવરી બોય રૂ. 3.76 લાખની કિંમતના 32 મોબાઇલની ચોરી કરી નાસી ગયાની એન્ફોર્સમેન્ટ ઓફિસરે ફરિયાદ કરતાં માલવિયાનગર પોલીસે ચોરીનો ગુનો નોંધી ડિલિવરી બોયને સકંજામાં લઇ તેની પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કરવાની કાર્યવાહી કરી છે.

ચંદ્રેશનગર પાસે રાજનગર સોસાયટીમાં રહેતા અને ફ્લિપકાર્ટ કંપનીમાં એન્ફોર્સમેન્ટ ઓફિસર તરીકે નોકરી કરતાં મહેશભાઇ મોહનભાઇ રાઠોડએ તેની કંપનીના ડિલિવરી બોય તરીકે નોકરી કરતો વિવેક જાદવભાઇ શિયાળ સામે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારી ઓફિસમાં કુરિયર દ્વારા તમામ માલ સામાન આવતો હોય અને તે સામાન અમારા 125 જેટલા ડિલિવરી બોય મારફતે જે તે ગ્રાહકોને મોકલવામાં આવતો હોય છે. તા.9-1ના રોજ અમારી કંપનીની મેનેજમેન્ટ ટીમે ફોન કરી ઓફિસે બોલાવ્યા હતો અને કંપની દ્વારા તપાસ કરવામાં આવી હોય જેથી અમારી કંપનીના ડિલિવરી બોય સહિત તમામ કર્મચારીને બોલાવ્યા હતા. તેમજ બધાની પૂછતાછ કરી તલાશી લીધી હતી જેમાં ડિલિવરી બોય વિવેક શિયાળના બેગમાંથી એક મોબાઇલ મળી આવ્યો હતો.

દરમિયાન તેની પૂછતાછ કરતાં તેને આ મોબાઇલ કંપનીમાંથી ચોરી કરી હોવાનું જણાવ્યું હતું અને તેને વધુ મોબાઇલની ચેારી કરી હોવાનું અને તે તમામ મોબાઇલ પરત આપી દેવા માટે લઇ આવવાનું કહી કંપનીમાંથી ગયા બાદ પરત નહીં આવી નાસી ગયો હતો. બાદમાં કંપની તરફથી તેની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ નહીં મળતા કંપનીમાં કેટલી વસ્તુઓની ચોરી થઇ તે અંગે તપાસ કરતાં અલગ અલગ કંપનીના રૂ.3.76 લાખની કિંમતના 32 મોબાઇલ ન મળતા વિવેક સામે ફરિયાદ કરી હોવાનું જણાવતા પીએસઆઇ વી.કે. ઝાલા સહિતના સ્ટાફે ડિલિવરી બોય વિવેક સામે મોબાઇલ ચોરીનો ગુનો નોંધી તેને સકંજામાં લઇ વધુ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *