ફ્રાન્સમાં એક 79 વર્ષના નિવૃત્ત શિક્ષક પર 1960ના દાયકાથી 2022 સુધી 89 સગીરો સાથે બળાત્કાર અને યૌન શોષણનો આરોપ લાગ્યો છે. ફ્રાન્સના ગ્રેનોબલ શહેરમાં ફરિયાદી એટિયન મેન્ટોએ મંગળવારે આ કેસને સાર્વજનિક કરતા પીડિતોને આગળ આવવા અપીલ કરી.
આરોપીનું નામ જેક લેવુગલ છે. ફરિયાદી અનુસાર, જેક લેવુગલે 1967 થી 2022 ની વચ્ચે ભારત, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, મોરોક્કો, નાઇજર, અલ્જીરિયા, ફિલિપાઇન્સ, કોલંબિયા અને ફ્રાન્સમાં સગીરો સાથે યૌન અપરાધ કર્યા.
તે ફ્રેન્ચ ભાષાના શિક્ષક અને ગુફા અધ્યયન (સ્પેલિયોલોજી) ના ટ્રેનર તરીકે કામ કરતો હતો. ફરિયાદી અનુસાર, તે દરેક જગ્યાએ જઈને યુવાનોને મળતો હતો અને તેમની સાથે યૌન સંબંધ બાંધતો હતો.
પીડિતોની ઉંમર 13 થી 17 વર્ષની વચ્ચે જણાવવામાં આવી છે. તે 2024માં આરોપ નક્કી થયા પછીથી કસ્ટડીમાં છે. ફરિયાદી મુજબ, આરોપીએ તેની બીમાર માતા અને વૃદ્ધ માસીની હત્યાની વાત પણ કબૂલ કરી છે.