શહેરના 80 ફૂટ રોડ પર સત્યમ પાર્કમાં રહેતી અશ્વિની સંતોષભાઈ બાબર(ઉં.વ.15) નામની તરુણીએ બહેનની બહેનપણીના એપાર્ટમેન્ટમાં જઈ છઠ્ઠા માળેથી પડતું મૂકી ઝંપલાવી આપઘાત કરી લેતા એપાર્ટમેન્ટમાં ચકચાર મચી જવા પામ્યો હતો. બનાવને પગલે એપાર્ટમેન્ટના લોકો બિલ્ડિંગની પાછળના ભાગે એકઠા થઇ ગયા હતા. તરુણીને નદીમાંથી કાઢી 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખેસડવામાં આવી હતી. જ્યાં એક દિવસની ટૂંકી સારવાર બાદ તરુણીનું મોત નીપજ્યું છે. બનાવની હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા થોરાળા પોલીસને જાણ થતાં પીએસઆઈ નિખિલ ડોબરિયા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં અશ્વિની બે બહેન અને એક ભાઈમાં નાની હતી. પરિવાર મૂળ મહારાષ્ટ્રના વતની છે. ઘણા વર્ષોથી રાજકોટમાં જ રહેતા હતા. અશ્વિની પેલેસ રોડ પર આવેલી મુરલીધર સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. અશ્વિનીની મોટી બહેન કોમલ પણ કોલેજમાં અભ્યાસ કરે છે.
વધુમાં આપઘાત કરનાર અશ્વિનીની મોટી બહેન કોમલના સગપણ માટે પરિવારજનો મૂળ વતન મહારાષ્ટ્ર ખાતે ગયા હતા. જે દરમિયાન અશ્વિનીના પિતાએ ઘરે કોલ કરતાં ફોન સતત વ્યસ્ત આવી રહ્યો હોઈ જેથી પિતાએ તેણીને તે અંગે વધુ પૂછતાં અશ્વિનીને તેના પ્રેમી વિશે પિતાને જાણ થઇ ગઈ હોઈ અને પિતા તેણીને ઠપકો આપશે તે વાતથી ભયભીત થઇ ગઈ હતી. આથી પિતાના ઠપકાથી બચવા માટે તેણીએ તેની બહેનની સહપાઠી મિત્ર ખુશીના ઘરે જવા દોટ મૂકી હતી. જોકે ભયભીત થઇ ચૂકેલી અશ્વિનીએ પિતાને તેના પ્રેમપ્રકરણની જાણ થઇ જશે તો ઠપકો આપશે તે ડરથી છઠ્ઠા માળે જઈ છલાંગ લગાવી આપઘાત કરી લીધો હતો. આ અંગે થોરાળા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.