પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ હાલ ભારત અને વિદેશના ભાવિકો માટે પણ આસ્થા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, પરંતુ વિદ્યાર્થીઓ માટે આગામી ફેબ્રુઆરી મહિનો પરીક્ષાઓનો મહાકુંભ બનશે કારણ કે, આ એક જ મહિનામાં કેન્દ્રીય બોર્ડ, ગુજરાત બોર્ડ અને કાઉન્સિલની ધોરણ 10 અને 12નો બોર્ડની પરીક્ષા શરૂ થવાની છે. જેમાં રાજકોટ સહિત રાજ્યભરમાંથી આશરે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. ધોરણ 10 અને 12 ઉપરાંત બી.એડ, નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશિપની પરીક્ષા તેમજ ગુજરાત બોર્ડની ધોરણ 12 સાયન્સની પરીક્ષા પણ ફેબ્રુઆરીમાં જ લેવાની છે. એટલે ફેબ્રુઆરીમાં એકસાથે અનેક પરીક્ષાઓનું આયોજન થયું હોવાથી પરીક્ષાઓનો મહાકુંભ સર્જાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે વર્ષ 2025માં લેવાનારી ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 15 દિવસ વહેલા લેવાનું બોર્ડે આયોજન કર્યું છે. 27 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષા શરૂ થશે જે 10 માર્ચ સુધી ચાલશે. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં રાજ્યમાં આશરે 11 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગત વર્ષે એટલે કે માર્ચ-2024ની બોર્ડની પરીક્ષા 11 માર્ચથી શરૂ કરવામાં આવી હતી. બોર્ડ દ્વારા અત્યાર સુધી ધોરણ-10 અને 12ની પરીક્ષા માર્ચ માસમાં લેવામાં આવતી હતી, પરંતુ આ વખતે પ્રથમ વાર વહેલી પરીક્ષાનું આયોજન કરી ફેબ્રુઆરી માસમાં જ પરીક્ષા લેવાની છે. આમ, પરીક્ષા વહેલી યોજવાનું નક્કી કરાતા પરીક્ષાને લગતી અન્ય તમામ કામગીરી પણ વહેલી શરૂ કરવામાં આવી છે.