સિટી બસ અકસ્માતની ઘટનામાં રચેલી ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની પહેલી મિટિંગ સોમવારે મળી હતી જેમાં હકીકતલક્ષી અહેવાલ રજૂ કરાયો છે. હવે કમિટી તપાસ શરૂ કરશે ખાસ કરીને ઈજનેરી કોલેજ અને યુનિવર્સિટીના નિષ્ણાતો અલગ અલગથી તપાસ કરી રિપોર્ટ આપશે.
ઈન્દિરા સર્કલ પાસે સિટી બસચાલકે ટ્રાફિક સિગ્નલ પર બેફામ બસ ચલાવીને અકસ્માત સર્જતા ચારનાં મોત નીપજ્યાં હતા અને ઘણાને ઘાયલ કર્યા હતા. આ ઘટનાના સીસીટીવી અને બસના કેમેરાના ફૂટેજ પરથી ગંભીર બેદરકારીઓ જોવા મળી છે. આ ઉપરાંત સંચાલક કંપની વિશ્વમ અને પીએમઆઈની પણ સંચાલનની ગંભીર ક્ષતિઓ હતી. આખરે સામે આવ્યું કે, મનપામાં જ સિટી બસમાં જવાબદારી સંભાળનાર અને બાદમાં રાજીનામું ધરીને કોન્ટ્રાક્ટરને ત્યાં નોકરી કરનાર જસ્મીન રાઠોડ અને ભાજપના હોદ્દેદાર વિક્રમ ડાંગર જ હકીકતમાં સંચાલન સંભાળી રહ્યા છે. જેને લઈને મનપાએ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીની રચના કરી છે જેમાં મનપાના અધિકારીઓ ઉપરાંત સેપ્ટ, સરકારી ઈજનેરી કોલેજના નિષ્ણાતો, પોલીસ અધિકારીઓની વરણી કરાઈ છે. આ કમિટીની પ્રથમ બેઠક સોમવારે મળી હતી જેમાં નિષ્ણાતો અને ઉચ્ચ અધિકારીઓએ હાજરી આપી હતી. રાજકોટ રાજપથના અધિકારીઓએ પ્રેઝેન્ટેશન મારફત હકીકતલક્ષી અહેવાલ રજૂ કર્યો છે. આ પ્રાથમિક અહેવાલ બાદ નિષ્ણાતોએ સ્થળ તપાસ તેમજ અકસ્માત સર્જનાર સિટી બસની પણ તપાસ કરવાનું કહ્યું છે. આ ઉપરાંત દરેક કમિટી મેમ્બર પોતપોતાની રીતે તપાસ કરશે. તપાસ રિપોર્ટ તૈયાર થયા બાદ કમિટીની બેઠકમાં જ તે મૂકવામાં આવશે. જોકે બીજી બેઠક ક્યારે મળશે તે હજુ નક્કી નથી પણ જ્યારે કમિટીની રચના થઇ ત્યારે જ એક મહિનામાં પ્રાથમિક અહેવાલ રજૂ કરવાનો રહેશે જ્યારે સુધારાત્મક પગલાં સહિતનો વિસ્તૃત અહેવાલ 3 મહિનામાં આપવાનું નક્કી કરાયું છે તેથી સમય દરમિયાન જ અહેવાલ આવી જાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે, સિટી બસની અડફેટે ચાર વ્યક્તિના મૃત્યુ નીપજતાં રાજ્યના મુખ્યમંત્રીએ પણ આ ઘટનાની વિગત જાણી હતી અને ઈજાગ્રસ્તોને તાકિદે સારવાર મળી રહે તે માટે સ્થાનિક તંત્રને તાકિદ કરી હતી.