રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુચિયાદડ નજીક આવેલી સફર પોલી ફાઈબર કંપનીમાં મશીન ઉપર કામ કરતી વખતે યુવક પડી જતા ચાલુ મશીનમાં આવી જવાથી મોત નીપજતા સાથી કર્મચારીઓમાં અરેરાટી મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગત મુજબ કુચિયાદડમાં આવેલી સફર પોલી ફાઈબર કંપનીમાં કામ કરતો અને ત્યાં જ ઓરડીમાં રહેતો છોટુ મહેશભાઈ નામદેવ (ઉ.વ.24) નામનો શ્રમિક યુવક સાંજે કંપનીમાં મશીનના સ્ટેન્ડ ઉપર ઊભો રહી કામ કરતો હતો ત્યારે પાછળ ફરવા જતા શરીરનું બેલેન્સ ગુમાવી દઈ મશીન ઉપર પડતાં તેમાં આવી જવાથી ગંભીર ઈજાઓ થઇ હતી. બનાવના પગલે સાથી શ્રમિકો દોડી જઈ તાકીદે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવતા નિષ્પ્રાણ દેહ પહોંચ્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક યુવક મૂળ એમ.પી.નો રહેવાસી છે. એક મહિનાથી કંપનીમાં કામ કરતો હતો. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.