વીંછિયા તાલુકાના ફુલઝર ગામમાં કિસાન પથના નવીનીકરણના કાર્યનું ખાતમુહૂર્ત કરાયું હતું. રૂપિયા 1.4 કરોડના ખર્ચે પુનઃ નિર્માણ પામનારા આ માર્ગથી કિસાનો તેમજ લોકોને આવાગમન માટે સરળતા રહેશે. છેલ્લા ઘણા સમયથી અહીંના લોકો ભંગાર, અતિ બિસ્માર રસ્તાથી પીડાતા હતા. જેમની પીડા અને યાતનાનો હવે અંત આવશે. ફુલઝરના રામદેવપીર મંદિર ખાતેથી માર્ગના કાર્યનું ખાતમુહૂર્ત કર્યા બાદ મંત્રી બાવળીયાએ ગ્રામજનોને સંબોધતાં કહ્યું હતું કે, આ વિસ્તારનાં ગામો માટે રાજ્ય સરકારે આશરે રૂ. 6 કરોડના માર્ગોનાં કામો મંજૂર કર્યા છે.
નજીકનાં ગામોની પરિવહનની સુવિધા વધુ સારી બનાવવા રૂ. 155 લાખના ખર્ચે બ્રિજ બનાવાશે, તેમણે કહ્યું હતું કે, આ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપ નાખીને લોકોની પાણીની સમસ્યા હલ કરવામાં આવી છે. ઉપરાંત, સિંચાઈનાં વિવિધ કામો ચાલી રહ્યા છે. ગયા વર્ષે 85 તળાવો ઊંડા કરવામાં આવ્યાં હતાં અને આ વર્ષે તળાવોને ઊંડા કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. આ વિસ્તારમાં શિક્ષણની સુવિધા વધુ સારી બનાવવામાં આવી રહી છે. ગામની નજીક જ એક હાઈસ્કૂલ બની રહી છે, ઉપરાંત, આ પંથકમાં ગઢડિયા નજીક ત્રણ સરકારી કોલેજ પણ મંજૂર કરવામાં આવી છે. હાલ ઘેલા સોમનાથ મંદિરનો વિકાસ પુરઝડપે ચાલી રહ્યો છે. અહીં દર્શનાર્થીઓની સંખ્યા વધતા સ્થાનિક રોજગારી પણ વધશે. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી પાર્થરાજસિંહ પરમાર, અગ્રણી દેવરાજભાઈ, અમરશીભાઈ, લાલાભાઈ ગઢવી, જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.