ફાયર NOC માટેની માર્ગદર્શિકા જાહેર કરો, વેપારીઓ હેરાન થાય છે: ચેમ્બર

ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને કાર્યવાહી શરૂ કરાઈ છે. ત્યારે ફાયર એન.ઓ.સી.માટે પોલિસીની માર્ગદર્શિકા જાહેર કરવી જોઈએ અને ફાયર સેફ્ટીના સાધનોના અભાવને કારણે વેપારીઓને હેરાનગતિ થાય છે તે અંગે ગ્રેટર ચેમ્બર દ્વારા ઉચ્ચકક્ષાએ રજૂઆત-માગણી કરવામાં આવી છે. આ ઉપરાંત આગની દુર્ઘટના સમયે કેવી રીતે સુરક્ષિત બહાર નીકળી શકાય તેનો ડેમો સોસાયટી, જાહેર સ્થળોએ રાખવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.

આ અંગે ગ્રેટર ચેમ્બરે કરેલી રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, ફાયર એન.ઓ.સી. અને સેફ્ટીના પગલાં વિશે વિગતવાર માર્ગદર્શિકા બહાર પાડવી જોઇએ.જેમાં ફાયર એન.ઓ.સી. કોને લેવાનું થાય છે?, ફાયર એન.ઓ.સી.ને માટે ક્યા ક્યા સાધનો વસાવવા પડે? આ અરજી કોને કરવાની થાય, અરજી માટે કરવાની થતી પ્રક્રિયા સહિતની વિગતો જાહેર કરવી જોઇએ. હાલમાં ફાયર સેફ્ટીના ક્યા સાધનો કોને વસાવવાના છે તે અંગે સચોટ માહિતીનો અભાવ છે.તો ક્યા સાધનો ક્યા એકમે વસાવવા જોઈએ તે અંગે માર્ગદર્શન આપવા પણ જણાવ્યું છે. હાલમાં ફાયર સેફ્ટીના સાધનોની અછત છે. તેથી આ ફાયર એન.ઓ.સી. અને સેફ્ટી માટેના સાધનો એકમોને સહેલાઇથી મળી જાય તે માટેની વ્યવસ્થા જાળવવા સૂચન કરવામાં આવ્યું છે. વધુમાં વહીવટી તંત્રની સાથે રહીને જનતા માટે સેતુરૂપ ભૂમિકા નિભાવવા માટેની તૈયારી ગ્રેટર ચેમ્બરે બતાવી છે. આમ,માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તેવી માગણી અંતમાં કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *