ફાયર સેફ્ટી-મેઈન્ટેનન્સના ખર્ચને લઇ રાજકોટ સિવિલ વિવાદમાં

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનોના મેન્ટેનન્સ પાછળ છેલ્લા 5 વર્ષમાં સત્તાવાર 3.54 કરોડ 2 પેઢીને ચૂકવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હોસ્પિટલના સત્તાવાળાઓ પાસેથી ફાયર સેફ્ટી પાછળ કરવામાં આવેલ ખર્ચની માહિતી અધિકાર કાયદા હેઠળ માંગવામાં આવેલી વિગતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. જોકે, આ બાબતે જ્યારે સિવિલ હોસ્પિટલના સત્તાધીશને પૂછવામાં આવ્યું તો તેમણે બચાવ કર્યો હતો કે, આ ખર્ચ તો અગાઉના 5 વર્ષનો જૂના કાર્યકાળનો છે. જે દરમિયાન કોરોના આવી ગયો હોવાથી ઈમરજન્સી ખર્ચ ઘણા થયા. જોકે, તેમાં ખોટો ખર્ચ કરવામાં આવ્યો હશે તો તેની તપાસ થશે કે કેમ? તેવું પૂછવામાં આવતા તેના માટે રાજ્ય સરકારને આગળ ધરી દેવામાં આવી હતી.

આ બાબતે સિવિલ હોસ્પિટલના મેડિકલ ઑફિસર અને એકાઉન્ટ ઓફિસર ડૉ. મહેન્દ્ર ચાવડાએ જણાવ્યું હતુ કે, સિવિલ હોસ્પિટલના RTI ઑફિસર દ્વારા RTI અંતર્ગત જે માહિતી માગવામાં આવતી હોય છે. તેમાંથી ઉપલબ્ધ હોય તે પ્રકારની માહિતી અમારા અધિકારી દ્વારા આપવામાં આવતી હોય છે. વર્ષ 2006થી 2025 સુધીમાં સિવિલ હોસ્પિટલનું વિસ્તૃતિકરણ થયું છે. 2006માં 850 સીટ હતી જે 1550 સીટ થઈ ગઈ છે. જેથી ખર્ચમાં વધારો થતો રહેવાનો છે. જોકે RTI મારો વિષય ન હોવાથી અન્ય બાબતો ઉપર હું પ્રકાશ ન પાડી શકું. છેલ્લા 5 વર્ષનો ખર્ચ અમારા કાર્યકાળ પૂર્વેનો છે. જેમાં પણ વચ્ચે કોવિડ મહામારીમાં સિવિલ હોસ્પિટલમાં 2000 બેડ રાખવામાં આવ્યા હતા અને ઇમરજન્સી સહિતના ખર્ચાઓ પણ તેમાં સામેલ છે. જોકે આમાં ખોટા ખર્ચ થયા હશે તો તપાસ કરવામાં આવશે કે કેમ? તેવું પૂછવામાં આવતા તેમને જણાવ્યું હતું કે, તેના માટે સરકાર છે જ.

RTI (રાઇટ ટુ ઇન્ફર્મેશન) અંતર્ગત માંગવામાં આવેલી માહિતીમાં હોસ્પિટલના સત્તાધીશો દ્વારા જણાવાયું છે કે, 2019-20માં સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના લગાવવામાં આવેલા સાધનો અને તેની જાળવણી માટે 2 અલગ-અલગ પેઢીને તત્કાલીન સુપ્રીટેન્ડેન્ટ દ્વારા આપવામાં આવ્યો હતો. વાર્ષિક ધોરણે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં ફાયર બોટલના રિફલિંગ માટે અમરેલીની ગોપાલ ફાયર એન્ડ સેફ્ટી નામની પેઢીને અને સાધનોની જાળવણી માટે અમદાવાદની વિશ્વાસ સુપ ઓફ કંપનીને રૂ.1.86 લાખનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. વર્ષ 2019માં પેઢીએ નિયમ મુજબ 6 બીલ હોસ્પિટલમાં મૂક્યા હતા. બાદમાં હોસ્પિટલના સત્તાવાળાઓ અને પેઢીએ કાયદાનું ખોટુ અર્થઘટન કરી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલ તમામ વિભાગોને એક છત્રમાં આવરી લેવાના બદલે વિભાગ પાડી વાર્ષિક કોન્ટ્રાક્ટના બદલે 2 અને 3 મહિને બીલ મુકવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *