મેટોડા જીઆઈડીસીમાં ઉદ્યોગકારો માટે ફાયર સેફ્ટીની જાણકારી અને તેના નિયમની અમલવારી અંગે માર્ગદર્શન આપતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિષ્ણાતોઅે આગ કે અન્ય દુર્ઘટના સમયે કઈ પ્રાથમિક બાબતો મહત્ત્વની છે અને બચાવ કામગીરી કઈ રીતે કરી શકાય તે સહિતની બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજકોટ મેટોડા જીઆઇડીસી એસો.ના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યાનુસાર વડોદરા, સુરત અને રાજકોટ શહેરમાંથી ફાયર સેફ્ટીના નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું. જેમાં ફાયર સેફ્ટી આનુસંગિક નિયમો, ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા પોર્ટલ પર થઇ શકતી અરજી તેમજ ઇન્ડસ્ટ્રિયલ પ્રવૃત્તિ દરમિયાન થતી ફાયરની ઘટના અટકાવવા માટે લેવાના થતા સાવચેતીના પગલાં વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.