ફાઇવ ડે વીકની માગ સાથે ગુજરાતના 15000 બેંકકર્મી હડતાળ પર

ગુજરાતમાં 15,000 સહિત દેશભરના 8 લાખ બેંકકર્મચારી આજે ફાઇવ ડે વીક અને પડતર માગણીઓને લઈને હડતાળ પર ઊતર્યા છે, જેના કારણે સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતનાં શહેરોમાં બેંકિંગ સેવાઓ ખોરવાઈ ગઈ છે. વર્ષ 2015થી ચાલી રહેલી પાંચ દિવસના કામકાજના સપ્તાહની માગણી પર સરકાર દ્વારા કોઈ નક્કર નિર્ણય ન લેવાતાં કર્મચારીઓએ આક્રોશ વ્યક્ત કરી રેલીઓ યોજી હતી.

બેંકકર્મીઓએ કહ્યું હતું કે જો સરકાર પાંચ દિવસનું સપ્તાહ મંજૂર કરે તો તેઓ દરરોજ 40 મિનિટ વધુ કામ કરવા પણ તૈયાર છે અને શનિ-રવિની રજાના કારણે ગ્રાહકોને કોઈ અસર પડશે નહીં.

ઉલ્લેખનીય છે કે શનિ-રવિ અને 26મી જાન્યુઆરીની રજા બાદ સતત ચોથા દિવસે બેંકો બંધ રહેતાં ચેક ક્લિયરન્સ અને રોકડ વ્યવહારો અટવાયા છે. લોકોને 4 દિવસ બેંક બંધ રહેવાના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

સંતોષકારક નિર્ણય ન આવતાં આજે રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહ્વાન પડતર માગણીઓને લઈને આજે સમગ્ર દેશના બેંકકર્મચારીઓ હડતાળ પર ઊતર્યા છે. આ હડતાળના કારણે દેશભરની જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકો આજે બંધ રહેતાં સામાન્ય જનતાને બેંકિંગ સેવાઓમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પગાર સુધારા, કામકાજના કલાકો અને સપ્તાહમાં પાંચ દિવસ કામગીરી જેવી મહત્ત્વની માગણીઓ સાથે બેંકકર્મચારીઓ લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે, પરંતુ સરકાર અને મેનેજમેન્ટ તરફથી સંતોષકારક નિર્ણય ન આવતાં આજે રાષ્ટ્રવ્યાપી હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે, જેને લઈને અમદાવાદમાં પણ ઇન્દુલાલ યાજ્ઞિક ગાર્ડનથી વલ્લભ સદન સુધી રેલી યોજી બેંકના કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. પડતર માગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *