ફર્નિચર, સ્ટીલના વાસણો, કિચનવેર અને ઇલેક્ટ્રોનિક્સના વેપારી પર GSTના દરોડા

આવતા એપ્રિલથી 2025-26 નાણાકીય વર્ષ શરૂ થવાનું છે ત્યારે માર્ચ માસ નજીક આવતા જ સ્ટેટ જીએસટી વિભાગે કરચોરી સામે કડક કાર્યવાહીનો દોર શરૂ કર્યો છે. બુધવારે સવારથી રાજ્યભરમાં 30થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. સ્ટેટ જીએસટી દ્વારા રાજકોટ, જૂનાગઢ, કચ્છ, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા સહિતના શહેરોમાં તપાસની કાર્યવાહી હાથ ધરાઈ છે. ખાસ કરીને ફર્નિચર, સ્ટીલના વાસણો, કિચનવેર અને ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ 30થી વધુ વેપારી પેઢીઓમાં કરચોરી અંગે દસ્તાવેજી તપાસ શરૂ કરવામાં આવી છે.

વિભાગીય સૂત્રો અનુસાર કાર્યવાહી અત્યંત ગુપ્ત રાખવામાં આવી હતી અને સંબંધિત અધિકારીઓને તપાસના વોરંટ મોડી સવારમાં જ આપવામાં આવ્યા હતા. રસપ્રદ બાબત એ છે કે, જુદા જુદા વિભાગોના અધિકારીઓને ક્રોસ-જિલ્લા તપાસ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે અને રાજકોટ વિભાગના અધિકારીઓને જૂનાગઢમાં તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે. જૂનાગઢમાં વાસણના વેપારીઓ અને ફર્નિચરના શો-રૂમ પર જીએસટીની તપાસ હાથ ધરવામાં આવી છે.

વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, દરોડાનો હેતુ નાણાકીય વર્ષ પૂર્ણ થવા પૂર્વે કરચોરીના કેસોને ઝડપથી તપાસી રાજસ્વ સુરક્ષિત કરવો છે. પરંપરાગત રીતે માર્ચ મહિનામાં જીએસટી વિભાગ વધુ સક્રિય બને છે અને લક્ષ્યાંક હાંસલ કરવા વ્યાપક ચકાસણીઓ હાથ ધરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *