શહેરમાં હોસ્ટેલમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીની સગાઇ થતાં તેની જ સંબંધી મહિલાઅે ખોટું અાઇડી બનાવી યુવતીના મંગેતરને ઇન્સ્ટાગ્રામમાં યુવતીના પૂર્વ પ્રેમી સાથેના ફોટા અને મેસેજ મોકલી સગાઇ તોડવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આરોપી મહિલાને સકંજામાં લીધી હતી.
શહેરની ઇન્દિરા સર્કલ પાસેની એક ખાનગી હોસ્ટેલમાં રહેતી અને ખાનગી કંપનીમાં નોકરી કરતી 30 વર્ષની યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેની જ સંબંધી મહિલાનું નામ આપ્યું હતું.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 3 મહિના પહેલાં તેની સગાઇ જીજ્ઞેશ નામના યુવક સાથે થઇ હતી, પોતે અને જીજ્ઞેશ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે.
પૂજા નામના ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી યુવતીના ફિયાન્સને યુવતીના જૂના મિત્ર સાથેના ફોટા મોકલવામાં આવ્યા હતા અને આ યુવતી સારી નથી તેવા મેસેજ કરી યુવતીની સગાઇ તોડવાનો પ્રયાસ કર્યો હતો. જીજ્ઞેશે પોતાને મળેલા ફોટા અને મેસેજ યુવતીને મોકલતા યુવતીએ જે આઇડી પરથી મેસેજ આવ્યા હતા તેની સાથે ચેટિંગ કરી કોણ છો તેમ પૂછતાં તે વ્યક્તિએ ‘તે મારી જિંદગી ખરાબ કરી છે,
હવે બીજાની ખરાબ કરવા નીકળી છો’ તેમ કહી ઉડાઉ જવાબ આપ્યા હતા અને ત્યારબાદ પણ પોતાની હરકત ચાલુ રાખી યુવતીના અલગ અલગ ફોટા તેના ફિયાન્સને મોકલી પરેશાન કરવાનું ચાલું રાખ્યું હતું.
આ ત્રાસથી કંટાળી યુવતીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. પોલીસે તપાસ કરતાં મેસેજ કરનાર યુવતીની જ સંબંધી મહિલા હોવાનું અને તેણે ખોટું આઇડી બનાવી યુવતીની સગાઇ તોડવાનો પ્રયાસ કર્યાનું ખુલ્યું હતું. પોલીસે આરોપી મહિલાને સકંજામાં લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.