શહેરની સોની બજારમાં રહેતાં અને સોની કામ કરતાં બંગાળી યુવાને વતનમાં રહેતી પ્રેમિકાના બીજે લગ્ન થઇ જતાં આઘાતને કારણે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરપ્રાંતીય પરિવારમાં કલ્પાંત છવાયો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ, સોની બજારમાં ભવાની શેરીમાં રૂમ રાખી રહેતા દીપક રવાભાઇ દાસ(ઉ.વ.20) નામના યુવાને મોડી રાતે બારીમાં ગમછો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
સાથે રહેતાં બીજા મજૂર મારફત બનાવની જાણ થતાં 108 બોલાવાઇ હતી. તેના તબીબે મૃત જાહેર કરતાં એ-ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ રમેશભાઇ ચૌહાણે વધુ તપાસ હાથ ધરી હતી.
આપઘાત કરનાર દીપક મૂળ પશ્ચિમ બંગાળનો વતની હતો અને ગ્યાસુદ્દીન મંડલની દુકાને સોનાના દાગીના બનાવવાનું કામ કરતો હતો. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ દીપકને તેના વતનની કોઇ યુવતી સાથે પ્રેમ હતો. દરમિયાન આ યુવતીએ બીજા કોઇ સાથે લગ્ન કરી લીધા હતાં
. તેની દીપકને જાણ નહોતી, પણ હવે તેણી મા બની ગઇ હતી. આ અંગેનું સ્ટેટસ તેણે યુવતીના કોઇ સગાના નંબર ઉપર જોતાં તેના કારણે આઘાતમાં સરી પડેલા આ યુવાને પગલું ભર્યાનું તપાસમાં ખુલ્યું હતું.