‘જર, જમીન અને જોરું ત્રણ કજિયાના છોરું’ ઉક્તિ આજના આધુનિક યુગમાં પણ યથાર્થ સાબિત બની રહી છે ત્યારે આવા જ એક કિસ્સામાં વીંછિયા તાલુકાના બંધાળી ગામના વતની યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા બાદ યુવતીના પિતાએ મોઢુકા અને આંકડિયા ગામની ખેતીની જમીનમાંથી બેદખલ કરી દેનાર પિતા સામે કાનૂની જંગે ચડેલી દીકરીને જસદણ ડેપ્યુટી કલેકટરે ન્યાય આપી અલગ-અલગ બે ખેતીની જમીનમાંથી હક્ક કમી કર્યા અંગેની નોંધ રદ કરવા હુકમ કરી બન્ને જમીનમાં દીકરાઓ જેટલો જ હક્ક મળે તે માટે હયાતીમાં પડેલી વારસાઈ નોંધ કાયમ રાખવા હુકમ કર્યો હતો.
વીંછિયા તાલુકાના બંધાળી ગામના વતની અને હાલમાં બોટાદ જિલ્લાના વાવડી ગામે સાસરું ધરાવતા ગુલાબબેન જેસાભાઇ મેટાળિયાના પતિને ખેતી કરવા માટે ટ્રેક્ટર ખરીદ કરવું હોય પિતા જેસાભાઈને ખેતીની જમીનના 7/12 આપવા કહેતા પિતાએ કહ્યું હતું કે, તે પ્રેમલગ્ન કર્યા હોવાથી હવે ખેતીની જમીનમાં મારું અને તારા ભાઈઓનું જ નામ રાખ્યું છે. તારો અને તારા માતાનો હક્ક કમી કરી નાખવામાં આવ્યો છે.
જેથી ગુલાબબેને પિતાની માલિકીની વીંછિયા તાલુકાના મોઢુકા ગામના સર્વે નંબર 216 પૈકીની 7 એકરથી વધુ જમીન અને આંકડિયા સર્વે નંબર 67 પૈકી એકની 3 એકર જેટલી જમીનમાં હક્ક કમી કર્યાની નોંધને ડેપ્યુટી કલેકટર જસદણ સમક્ષ પડકારી તેમની જાણ બહાર પિતા-ભાઈઓએ હક્ક કમી કરાવી નાખ્યો હોવાનું તેમજ 135-ડીની નોટિસ પણ બજી ન હોય ન્યાય માટે અપીલ કરતા જસદણ ડેપ્યુટી કલેક્ટર દ્વારા બન્ને પક્ષની દલીલો બાદ ગુલાબબેનની હક્ક કમી કર્યાની નોંધ રદ કરવા હુકમ કર્યો હતો.