અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ બુધવારે પતિ નિક જોનસ અને પુત્રી માલતી મેરી સાથે રામલલ્લાના મંદિરમાં દર્શનાર્થે પહોંચી. આ દરમિયાન તે ભાવુક થઈ ગઈ હતી. તેણે કહ્યું કે, ‘ભગવાનના દર્શન કરવા એ મારા જીવનનું સૌભાગ્ય છે’. પ્રિયંકા પીળા રંગની સાડીમાં જોવા મળી હતી, જ્યારે નિક જોનસ સફેદ રંગના કુર્તા-પાયજામામાં જોવા મળ્યો હતો.
પ્રિયંકા બુધવારે બપોરે 1.30 કલાકે અયોધ્યા એરપોર્ટ પહોંચી હતી. અહીં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીંથી કાર દ્વારા સીધા રામ મંદિર પહોંચ્યા. અહીં રામલલ્લાના પૂજારી પ્રદીપ દાસે પ્રિયંકા અને તેના પતિનું રામનામનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું. આ પછી પ્રિયંકા તેના પતિ અને પુત્રી સાથે રામલલ્લાના દર્શન કરવા ગઈ હતી. રામલલ્લાના દરબારમાં 15 મિનિટ રોકાયા હતા. આ દરમિયાન પોલીસકર્મીઓએ અભિનેત્રી સાથે ફોટોગ્રાફ્સ ક્લિક કરાવ્યા હતા. આ દરમિયાન ટ્રસ્ટના સદસ્ય ડો.અનિલ મિશ્રાએ પરિવાર સહિત તેમનું સ્વાગત કર્યું હતું. મંદિરથી સીધા એરપોર્ટ પહોંચ્યા અને મુંબઈ જવા રવાના થયા.