પ્રાથમિક સેવાની લાખો ફરિયાદ અટકી

રાજકોટ મહાનગરપાલિકાની પ્રાથમિક નાગરિક સેવાઓ માટે જીવનદોરી સમાન ગણાતું ટોલ ફ્રી કોલ સેન્ટર પોતે જ હાલ બીમાર બની ગયું છે.

મનપાનો ફરિયાદ નોંધાવાનો મુખ્ય નંબર 155304 (ઓક્ટોબર 2024થી શરૂ કરાયેલી નવી સેવા) છેલ્લા ત્રણથી ચાર દિવસથી ખોટકાઈ જતા નાગરિકોમાં ભારે રોષ અને મૂંઝવણ ફેલાઈ છે.

કોલ કરતા જ તરત “કોલ એન્ડેડ” અથવા “કોલ ડ્રોપ” દેખાતા લોકોમાં એવો સવાલ ઉઠ્યો છે કે હવે ફરિયાદ નોંધાવા માટે પણ ફરિયાદ કયાં કરવી?

ડ્રેનેજ ઓવરફ્લો, પાણીની અછત, સફાઈ, રોડ-રસ્તા, સ્ટ્રીટલાઇટ જેવી રોજબરોજની નાગરિક સમસ્યાઓ માટે આ કોલ સેન્ટર સૌથી અસરકારક માધ્યમ ગણાય છે. દર વર્ષે અંદાજે ચાર લાખ જેટલી ફરિયાદો અહીં નોંધાય છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સેવા અચાનક ખોરવાતાં હજારો ફરિયાદો પેન્ડિંગ રહેવાની ભીતિ ઊભી થઈ છે.

નાગરિકોના જણાવ્યા મુજબ અલગ-અલગ મોબાઇલ નેટવર્કમાંથી વારંવાર કોલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે છતાં કોલ લાગતો નથી. અમુક વખતે રિંગ જાય છે પરંતુ તરત જ કોલ કટ થઈ જાય છે. ખાસ કરીને વોડાફોન નેટવર્કમાંથી કોલ કરનારાઓને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મનપાના સત્તાવાર સૂત્રોએ સ્વીકાર્યું છે કે, સમસ્યા છેલ્લા પાંચ દિવસથી યથાવત છે. આ મુદ્દો અધિકારીઓના ધ્યાન પર આવતા તાત્કાલિક BSNL કંપનીમાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે નાના મવા સાઇટ વિસ્તારમાં કેબલ રિપેરિંગ તથા સર્વર કનેક્ટિવિટી સંબંધિત ટેક્નિકલ ખામી સર્જાતા કોલ સેન્ટર સહિતની ટેલિફોનિક સેવાઓ પ્રભાવિત થઈ છે. જોકે, પ્રશ્નનો પૂર્ણ ઉકેલ હજી સુધી આવ્યો નથી.

કોલ સેન્ટર જેવી મૂળભૂત ફરિયાદ વ્યવસ્થા જ ખોરવાઈ જતા શહેરની નાગરિક સુવિધા વ્યવસ્થાપન પર સીધી અસર પડી છે. ખાસ કરીને ડ્રેનેજ, પાણી અને સફાઈ જેવી તાત્કાલિક કામગીરીમાં વિલંબ થવાની શક્યતા વધી છે. હાલ મનપા તંત્ર BSNL પાસેથી સેવા તાત્કાલિક પુનઃસ્થાપિત કરવા દબાણ કરી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *