લોકમેળામાં સરકારની એસઓપી મુજબ જ નાના ફજર ફાળકાઓ ચકરડી, વિવિધ પ્રકારના ખાણીપીણીના, મનોરંજનના સ્ટોલની ગોઠવણ કરાઇ છે. તા. 3ને મંગળવારના સવારે 7:30 કલાકે માત્રી માતાજીની જગ્યામાંથી મહંત જયવંતપુરી, લઘુમહંત વિશ્વાસપુરી, સંતો-મહંતો, ગ્રામજનો-સેવકો સહિત માતાજીનું ધ્વજા નિશાન નીકળી મેદાનમાં થઇ, માત્રી માતાજીનાં મંદિરે જશે. તા. 5ના સંધ્યાઆરતી બાદ મેળાની પૂર્ણાહુતિ કરાશે. અમાસના દિવસે માત્રી માતાજીને ધ્વજા અર્પણ કરાશે તથા એકમના દિવસે આ પરિવાર દ્વારા માત્રી માતાજીના સાનિધ્યમાં યજ્ઞ કરવામાં આવશે તેમજ ધંધુસર ગામના સેવકો તરફથી પ્રસાદમાં (ચા-પાણી) માટે દુધ તથા છાશની વ્યવસ્થા કરવામાં આવી છે. અને તળેટીથી મંદિરે જવાના રસ્તા પર ઘણા સમયથી સતવારા (કટેશીયા) જ્ઞાતિ તરફથી જલપાનની સુંદર સેવા આપવામાં આવે છે.