રાજકોટ મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ મંગળવારે સવારે 11 વાગ્યે મળનારું છે. આ બોર્ડની શરૂઆત પ્રશ્નકાળથી થશે જેમાં શાસકો પ્રથમ પ્રશ્ન ભાજપના કોર્પોરેટરનો જ હોવાથી તેમાં જ એક કલાક વિતાવી નાખી સીધા દરખાસ્ત પર આવી જવા દર વખતની જેમ શાસકો પ્રયાસ કરશે. બીજી તરફ વિપક્ષે પીપીપી કૌભાંડનો પ્રશ્ન ઉઠાવ્યો હોવાથી તે મામલો ગરમાવવા પણ પ્રયાસ કરાશે.
પ્રશ્નકાળમાં પહેલો પ્રશ્ન અમૃત મિશન યોજના હેઠળ કઈ કઈ શાખાને લગત કેટલી રકમના ક્યા ક્યા કામો હાથ ધરવામાં આવ્યા છે, તે કામો હાલ ક્યા તબક્કે છે, નવા કામોના ડીપીઆર ચાલુ છે તે સહિતની વોર્ડવાઈઝ વિસ્તૃત માહિતી માગવામાં આવી છે. આ માહિતીમાં ફક્ત સરકારી આંકડા બોલવામાં જ એક કલાકનો સમય વીતી જશે અને પેટા પ્રશ્ન પણ કરાશે. લોકોને પડતી સમસ્યાઓ અંગે કોઇ મુદ્દો ઉઠાવવાનું શાસકોને સૂઝતું નથી. બીજી તરફ વિપક્ષે બિશપ હાઉસ પીપીપી કૌભાંડને લગત પ્રશ્ન પૂછ્યો છે જેમાં કાલાવડ રોડ પર આવેલા બિશપ હાઉસ સામેના પ્લોટ પર કેટલા લોકો અને કેટલા ઘર હતા અને એ જ પ્લોટમાંથી ડો. આંબેડકરની પ્રતિમા હટાવાઈ હતી, ત્યાં કોણ રહેતું હતું તે સહિતની વિગતો માગી છે. આ મામલે કોંગ્રેસના કોર્પોરેટર ભ્રષ્ટાચારના આક્ષેપ કરશે.