પ્રયાગરાજમાં એરફોર્સનું પ્લેન ક્રેશ!

પ્રયાગરાજમાં એરફોર્સનું ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. એરક્રાફ્ટ હવામાં ઊડતાં-ઊડતાં ડગમગાયું અને તળાવમાં ખાબક્યું હતું. 2 સીટર એરક્રાફ્ટમાં સવાર બંને પાઇલટ સુરક્ષિત છે.

અકસ્માત બુધવારે બપોરે અંદાજે 12:20 વાગ્યે કેપી કોલેજની પાછળ થયો હતો. આ શહેરની મધ્યમાં આવેલો વિસ્તાર છે. તળાવની પાસે સ્કૂલ અને રહેણાક સોસાયટીઓ છે. અહીંથી માઘ મેળાનું અંતર 3 કિમી છે. અકસ્માત બાદ તરત જ આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ ક્રેશ થતાં પહેલાં બંને પાઇલટ પેરાશૂટથી કૂદી ગયા હતા અને તળાવમાં પડ્યા હતા. ત્યાં તેઓ કાદવમાં ફસાઈ ગયા હતા, જેમને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા હતા.

જે તળાવમાં વિમાન પડ્યું છે ત્યાં ચારે બાજુ જળકુંભી ઊગેલી છે. એરક્રાફ્ટ સુધી હજુ કોઈ રેસ્ક્યૂ ટીમ પહોંચી શકી નથી. સેના, ફાયરબ્રિગેડ, SDRF અને NDRF ઘટનાસ્થળે હાજર છે. બચાવ કામગીરી ચાલુ છે.

PRO ડિફેન્સ વિંગ કમાન્ડર દેબાર્થો ધરએ જણાવ્યું હતું કે ‘માઈક્રોલાઈટ એરક્રાફ્ટે બપોરે 12:15 વાગ્યે બમરૌલી એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરતી વખતે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.’

તેમણે જણાવ્યું હતું કે ‘બંને પાઇલટોએ સમજદારી દાખવીને એરક્રાફ્ટને નિર્જન વિસ્તારમાં ઉતાર્યું, જેનાથી સામાન્ય લોકોના જાન-માલને નુકસાન થયું નથી. અકસ્માતનું કારણ જાણવા માટે ‘કોર્ટ ઓફ ઈન્ક્વાયરી’નો આદેશ આપવામાં આવ્યો છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *