રાજકોટ મહાનગરપાલિકાના શાસકોની વર્તમાન બોડીની મુદત પૂરી થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આવતીકાલે સ્ટેન્ડિંગ કમીટીની સંભવત: છેલ્લી મીટિંગ યોજાઈ છે. આ બેઠકમાં પ્રદ્યુમન પાર્ક ઝૂની એન્ટ્રી ફીમાં 50થી 75 ટકાનો તોતિંગ વધારો, નવા લાયન સફારી પાર્કની ફી નિર્ધારણ કરવાની સાથે શહેરના પેડક રોડને અમદાવાદના સી.જી. રોડ જેવો ગૌરવપથ બનાવવા સહિતની બાબતે નિર્ણય લેવામાં આવશે.
આ મીટિંગના એજન્ડા પર કુલ 67 દરખાસ્તો રજૂ કરવામાં આવી છે, જેમાંથી સૌથી વધુ ચર્ચાસ્પદ અને લોકોના ખિસ્સા પર બોજ નાખનારી દરખાસ્ત પ્રદ્યુમન પાર્ક ઝૂની એન્ટ્રી ફીમાં વધારાની છે. ચૂંટણી માથા ઉપર છે ત્યારે આ બાબતે શાસકો શુ નિર્ણય લેશે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
રાજકોટવાસીઓના મનોરંજન માટેના સૌથી પ્રિય સ્થળ એવા પ્રદ્યુમન પાર્ક ઝૂ (પ્રાણી ઉદ્યાન)ની ટિકિટ દરમાં 50 થી 75 ટકા જેટલો તોતિંગ વધારો સૂચવવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલી દરખાસ્ત મુજબ, ઝૂમાં પ્રાણીઓ, પક્ષીઓ અને પાંજરાઓની સંખ્યામાં વધારો થતા નિભાવ ખર્ચ વધ્યો છે. વર્ષ 2024-25 દરમિયાન 5.77 લાખ પ્રવાસીઓ નોંધાયા હતા, જેનાથી રૂ. 1.45 કરોડની આવક થઈ હતી. જ્યારે ચાલુ વર્ષે ડિસેમ્બર-25 સુધીમાં 5.08 લાખ લોકોની મુલાકાતથી 1.24 કરોડની આવક થઈ છે. અન્ય શહેરોની સરખામણીએ રાજકોટ ઝૂની ફી ઓછી હોવાનું જણાવી ભાવ વધારો સૂચવાયો છે.