ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં હાલ યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવાની નીતિ અમલમાં છે. જેના ભાગરૂપે પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળ્યા બાદ સૌપ્રથમ રાજકોટ આવેલા પ્રશાંત કોરાટનું સ્થાનિક ભાજપનાં અફેવનો દ્વારા ઢોલ-નગારાનાં તાલે ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પ્રશાંત કોરાટે આગામી કોર્પોરેશન ચૂંટણીમાં ભવ્ય વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જોકે ચૂંટણીનાં પડકારો અંગે પૂછતાં ચાલતી પકડી હતી.
પ્રશાંત કોરાટને કાર્યકરોએ ખભે બેસાડી દીધા પ્રદેશ ભાજપમાં યુવાઓના વધતા દબદબાના પ્રતીક સમા પ્રશાંત કોરાટના સ્વાગત માટે રાજકોટના સિનિયર નેતાઓ અને ધારાસભ્યો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. કાર્યકરોમાં એટલો ભારે જોશ હતો કે પ્રશાંત કોરાટ જેવા પોતાની કારમાંથી ઉતર્યા, તરત કાર્યકરોએ તેમને ખભે બેસાડી દીધા હતા અને નારાબાજી સાથે સ્ટેજ સુધી દોરી લાવ્યા હતા. ઢોલ-નગારાના ગુંજારવ અને ફટાકડાના આતશબાજી વચ્ચે આખું વાતાવરણ કેસરીયા રંગે રંગાયું હતું. મહિલા મોરચાના આગેવાનોએ પરંપરાગત રીતે કુમકુમ તિલક કરી અને પુષ્પવર્ષા કરીને તેમને વધાવ્યા હતા.