શહેરની સહકાર સોસાયટીમાં રહેતા યુવકને કટકે કટકે રૂ.90 હજાર વ્યાજે ધીરી, યુવક પાસેથી રૂ.1.55 લાખના સોનાના ઘરેણાં વ્યાજખોર પોસ્ટલ કર્મચારીએ ગીરવે લીધા હતા. યુવકે રૂ.2.26 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોરે વધુ નાણાંની માંગ કરી હતી અને યુવકના સોનાના ઘરેણાં પરત કર્યા નહોતા. સહકાર સોસાયટીમાં રહેતા અને સોનીકામ કરતાં દિપેશ જગદીશભાઇ બારભાયા (ઉ.વ.26)એ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વ્યાજખોર પોસ્ટલ કર્મચારી જતિન મેઘાણી અને તેના મિત્રના નામ આપ્યા હતા. દિપેશ બારભાયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કોરોના વખતે લોકડાઉનમાં નાણાંની જરૂરિયાત થતાં યુનિવર્સિટી રોડ પરની પોસ્ટ ઓફિસમાં નોકરી કરતાં જતિન મેઘાણી પાસેથી રૂ.20 હજાર 7 ટકા વ્યાજે લીધા હતા. ત્યારબાદ પુત્રની સ્કૂલ ફી ભરવા માટે રૂ.30 હજાર લીધા હતા, બાદમાં રૂ.40 હજાર તથા રૂ.20 હજાર વ્યાજે લીધા હતા, કુલ રૂ.90 હજાર કટકે કટકે વ્યાજે લીધા હતા. જેની સામે જતિન મેઘાણી પાસે દિપેશે રૂ.1.55 લાખના સોનાના ઘરેણાં ગીરવે મુક્યા હતા. દિપેશ બારભાયાએ રૂ.2,26,800 ચૂકવી દીધા હોવા છતાં જતિને વ્યાજની ઉઘરાણી શરૂ કરી ધમકી આપવાનું ચાલુ કર્યું હતું અને ગત તા.24 જૂનના જતિન અને તેના મિત્રએ દિપેશને રાષ્ટ્રીય શાળા પાસે બોલાવ્યો હતો અને ત્યાં ફરીથી નાણાંની પઠાણી ઉઘરાણી કરી દિપેશને ફડાકા ઝીંક્યા હતા અને ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઅોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.