દૂધસાગર રોડ પરની ભગવતી સોસાયટીમાં રહેતી અફસાના મકવાણા (ઉ.વ.28)એ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના પતિ નદીમ ગફાર મકવાણા અને તેની પ્રેમિકા દેવપરાના ખ્વાઝા એપાર્ટમેન્ટમાં રહેેતી આસ્તાના ઇમરાન મેતરનું નામ આપ્યું હતું.
અફસાના મકવાણાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન દશ વર્ષ પહેલાં નદીમ સાથે થયા હતા અને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. દોઢ વર્ષ પહેલાં પતિ નદીમના મોબાઇલ પર આસ્તાનાનો ફોન આવ્યો હતો જે ફોન અફસાનાએ રિસીવ કરતાં તેને પતિ નદીમ અને અસ્તાના વચ્ચેના પ્રેમસંબંધની જાણ થઇ હતી. અફસાનાના સાસુ તથા સસરાને પણ નદીમના લફરાની જાણ થઇ હતી. જોકે ત્યારબાદ પણ નદીમ અને અસ્તાના વચ્ચે ફોનનું પ્રમાણ વધતું ગયું હતું.
રવિવારે સાંજે અફસાના તેના ઘરે હતી ત્યારે તેના સસરા ગફારભાઇ ઘરે આવ્યા હતા અને તેમણે કહ્યું હતું કે, તેમને ઇરફાન યાકુબનો ફોન આવ્યો હતો અને નદીમ તથા આસ્તાના ખ્વાજા ચોક પાસેના એપાર્ટમેન્ટમાંથી ઝડપાયા છે અને ઇરફાન પોલીસ ફરિયાદ કરવા ભક્તિનગર પોલીસ સ્ટેશને જાય છે. આ અંગેની જાણ થતાં અફસાના તથા તેના સાસુ સહિતના લોકો ભક્તિનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.
જ્યાં નદીમ અને આસ્તાના હાજર હતા, તે બંનેએ અફસાાના સાથે બોલાચાલી કરી હતી. માથાકૂટ ટાળવા અફસાના પોલીસ સ્ટેશનની બહાર નીકળીને તેના ગેટ પાસે બેસી ગઇ હતી. થોડીવાર બાદ આસ્તાના બહાર આવી હતી અને આસ્તાનાએ અફસાનાને ઢીકાપાટુનો માર માર્યો હતો અને કહ્યું હતું કે, હું તારા પતિને નહીં મૂકું, નદીમ પણ પત્ની અફસાનાને વચ્ચે નહીં આવતી નહિતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી મારકૂટ કરી હતી. જેથી પરિણીતાએ ફિનાઇલ પી આપઘાતની કોશિશ કરી હતી.