રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર 16 જાન્યુઆરીની રાત્રે સોડાની બોટલો ફેંકીને પોલીસને પડકાર ફેંકનાર આરોપીઓને દીવ ક્રાઈમ બ્રાન્ચની મદદથી ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓને દોરડાથી બાંધીને એસ.કે. ચોક પાસેની માર્કેટમાં રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન આરોપીઓ લંગડાતા પગે ચાલતા અને જાહેરમાં બે હાથ જોડી માફી માગતા નજરે પડ્યા હતા. પોલીસે તેમને ‘કૂકડા’ બનાવીને ચલાવ્યા હતા. આ ઘટનાએ શહેરમાં પોલીસની કડક કાર્યવાહી અને જાહેર સુરક્ષા પર ચર્ચા શરૂ કરી દીધી છે.
શહેરના ગાંધીગ્રામ પોલીસ મથક પર 16 જાન્યુઆરીના રાત્રે 10:30 વાગ્યે અજાણ્યા શખસો દ્વારા સોડાની બોટલના ઘા કરી પોલીસને પડકાર ફેંકવામાં આવ્યો હતો. જેનાથી પોલીસની આબરૂના લીરેલીરા ઉડી ગયા હતા. જોકે, આ ઘટના બાદ તુરંત જ ગાંધીગ્રામ પોલીસે CCTVના આધારે કુખ્યાત બુટલેગર હર્ષદ માંડલીયા ઉર્ફે મહાજનના પુત્ર જેનીશ માંડલિયા અને તેની સાથેના ચાર સાગરીતો દ્વારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે ગાંધીગ્રામ પોલીસે ક્રાઈમ રજિસ્ટર નં. 39/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 125, 3(5), 62 તથા જાહેર સંપત્તિને નુકસાન નિવારણ અધિનિયમ, 1984ની કલમ 3(2)(e) મુજબ ગુનો નોંધ્યો હતો. આ ઘટના બાદ માહિતી મળતાં દીવ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ દીવ ક્રાઈમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી અને સ્ટેશન ડાયરી એન્ટ્રી નં. 35/2025 મુજબ આલીશાન હોટલ સામેના પાર્કિંગ વિસ્તારમાં મહિન્દ્રા થાર વાહન (GJ-03-PJ-0022) સાથે ચાર શંકાસ્પદ વ્યક્તિઓને શોધી કાઢ્યા હતા. તેમને અટકાયત કરી દીવ પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ કરવામાં આવી હતી.