રાજકોટ શહેર પોલીસની 60 ટીમે બુધવારે એકસાથે વિવિધ સ્થળે દરોડા પાડ્યા હતા. જેમાં 6 સ્થળેથી માદક પદાર્થના જથ્થા સાથે 6 શખ્સને ઝડપી લીધા હતા, તો મેડિકલ સ્ટોર અને ચાની હોટેલ સહિતના સ્થળે પણ સઘન તપાસ કરવામાં આવી હતી.
શહેરના કેટલાક મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓનું વેચાણ થાય છે અને અનેક દવા વ્યસનીઓ વ્યસનમાં ઉપયોગમાં લે છે, આવી પ્રવૃત્તિ ડામવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સૂચના પોલીસની 60 ટીમ બનાવી શહેરના 488 મેડિકલ સ્ટોરમાં તપાસ કરી હતી. શરૂઆતમાં પોલીસમેનને ખાનગી ડ્રેસમાં મેડિકલ સ્ટોરમાં મોકલવામાં આવ્યા હતા અને તેઓ મોબાઇલમાં લખેલી દવા મેડિકલ સ્ટોરના સંચાલકને બતાવતા હતા. મોબાઇલમાં લખેલી દવા પ્રિસ્ક્રિપ્શન વગર આપી શકાય નહીં તેવી હતી, જોકે તમામ સ્થળેથી પ્રિસ્ક્રિપ્શન વગર દવા આપવાની ના કહેવાતા મેડિકલ સ્ટોરના સંચાલકોનો બચાવ થયો હતો.
શાળા કોલેજના 100 મીટરના વર્તુળમાં તંબાકુની બનાવટ વેચવા પર પ્રતિબંધ છે, પોલીસે આવી 898 દુકાન તપાસી હતી જેમાંથી 324 દુકાનો શાળા કોલેજની નજીક હતી અને ત્યાં પ્રતિબંધિત વસ્તુનું વેચાણ થતું હતું, પોલીસે આવા 324 દુકાનદાર સામે કાર્યવાહી કરી રૂ.64800નો દંડ વસૂલ્યો હતો. આ ઉપરાંત ત્રણ દુકાનમાં ઇ-સિગારેટનું વેચાણ થતું હતું તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે બી-ડિવિઝન વિસ્તારમાં 100 ગ્રામથી વધુ ગાંજાના જથ્થા સાથે શખ્સ ઝડપાયો હતો. ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અફીણ ઝડપાયું હતું.