રાજ્યના ગૃહ વિભાગે ફટાકડાના સ્ટોલમાં ફાયર એનઓસીની પોલિસીમાં બે વખત ફેરફાર કર્યા બાદ શહેરમાં 5000થી વધુ સ્થળોએ ફટાકડાના નાના-મોટા સ્ટોલ નંખાયા હોવા છતાં માત્ર 540 જેટલા વેપારીએ ફાયર એનઓસી માટે ફાયર બ્રિગેડ શાખામાં અરજી કરી હતી અને તેમાં માત્ર 525 વેપારીને અભિપ્રાય અપાયા હતા.
ત્યારે બીજીબાજુ સદર બજારમાં ફાયર એનઓસી ન ધરાવતા 5 વેપારી સામે પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યા બાદ છેલ્લા ચાર દિવસથી ફટાકડાની રેંકડી અને ટેબલો નાખીને ફાયર શાખાના એનઓસી વગર વેપાર કરતાં ધંધાર્થીઓ પાસેથી પોલીસે રૂ.10 લાખથી વધુ રકમ ખંખેરી લીધાની હકીકત ચર્ચાના ચકડોળે ચડી છે.
તાજેતરમાં સદર બજારમાં પ્ર.નગર પોલીસે ફાયર શાખાના એનઓસી વગર ફટાકડાનો વેપાર કરતા પાંચ વેપારીઓ સામે ગુનો નોંધ્યો હતો, પરંતુ ત્યારબાદ સદર બજારમાં ફટાકડાના ધંધાર્થીઓ સામે પોલીસ આશ્ચર્યજનક રીતે લિબરલ બની ગઇ હતી અને સદર બજારમાં રસ્તા પર જ રેંકડી તથા ટેબલો નાખી ખુલ્લેઆમ ફટાકડાનો મોટો જથ્થો રાખી વેપાર કરતાં 45થી વધુ ફેરિયાઓને ધંધો કરવા પોલીસે ખુલ્લો દોર આપી દીધો હતો.
આ વેપારીઓ પાસેથી પોલીસે રૂ.10 લાખથી વધુ રકમ ખંખેરી લઇ ફાયર એનઓસી વગર ફટાકડાનો ધંધો કરવા છૂટછાટ આપ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે.